ભાઇંદરમાં 16 લાખના ગોલ્ડ અને 1.70 લાખ કૅશ સાથે આરોપી પલાયન

03 March, 2021 08:56 AM IST  |  Mumbai | Mid-day Correspondent

ભાઇંદરમાં 16 લાખના ગોલ્ડ અને 1.70 લાખ કૅશ સાથે આરોપી પલાયન

ઝવેરીના કારખાનામાં પિસ્તોલ બતાવી રહેલો બુકાનીધારી લૂંટારો.

મીરા રોડના ડાયમન્ડ જ્વેલરીના શોરૂમમાં ધોળા દિવસે લૂંટ થવાની ઘટનાના આરોપીઓ પકડાયાના ગણતરીના સમયમાં ભાઈંદરમાં જ્વેલરીના કારખાનામાં પિસ્તોલની અણીએ લૂંટ થવાની ઘટના સોમવારે બપોરે બની હતી. સોનું ખરીદવાના નામે કારખાનામાં પ્રવેશ્યા બાદ થેલીમાંથી પિસ્તોલ કાઢીને વેપારીને ગોળી મારવાની ધમકી આપ્યા બાદ તેની પાસેથી ૧૬ લાખનું સોનું અને ૧.૭૦ લાખ રૂપિયા કૅશ સાથે આરોપી પલાયન થઈ ગયો હતો. ચહેરા પર બુકાની બાંધીને આરોપી આવ્યો હતો. આખી ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસે લૂંટની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ભાઈંદર (ઈસ્ટ)માં નવઘર વિસ્તારમાં તેલારામ મોદી નામના વેપારીનું સોનાના દાગીના બનાવવાનું કારખાનું છે. તેમણે નવઘર પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ‘તેઓ સોમવારે બપોર બાદ ચારેક વાગ્યે કારખાનામાં હતા. એ સમયે એક વ્યક્તિ સોનાના દાગીના ખરીદવા માટે કારખાનામાં આવી હતી. ભાવતાલ વગેરેની વાતચીત થયા બાદ તે જતી રહી હતી. એટલામાં એક યુવક ચહેરા પર બુકાની બાંધીને કારખાનામાં ધસી આવ્યો હતો. તેણે પોતાની પાસેની પિસ્તોલ બહાર કાઢીને જેટલું સોનું હોય એ આપવાનું કહ્યું હતું અને આમ નહીં કરે તો ગોળી મારવાની ધમકી આપતાં તેમણે ૧૬ લાખની કિંમતનું સોનું અને ૧.૭૦ લાખ રૂપિયા કૅશ તેને આપી દીધા હતા. આ વાત કોઈને કહી તો જાનથી મારી નાખવાની ધમકી પણ તેણે જતાં-જતાં આપી હતી.’

કારખાનામાં પિસ્તોલ સાથે ધસી જઈને લૂંટ કરવાની ઘટના સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગઈ છે. એનાં ફુટેજ વેપારીએ નવઘર પોલીસ-સ્ટેશનમાં આપીને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પહેલાં મીરા રોડમાં આવેલા એસ. કુમાર ડાયમન્ડ જ્વેલરીના શોરૂમમાં ધોળા દિવસે દોઢ કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી ત્યારે ખળભળાટ મચી ગયો હતો. આ કેસના આરોપીઓ તાજેતરમાં પકડાયા છે ત્યારે ભાઈંદરમાં પિસ્તોલ બતાવીને લૂંટની ઘટના બનતાં જ્વેલરોને સુરક્ષાની ચિંતા થઈ રહી છે.

નવઘર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે અજાણ્યા આરોપી સામે શસ્ત્રની અણીએ સોનું અને કૅશ લૂંટવાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ કામ કોઈ જાણભેદુનું હોવાની શક્યતા હોવાથી વેપારી સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરનામાં આવી રહી છે.’

ઝવેરીના કારખાનામાં પિસ્તોલ બતાવી રહેલો બુકાનીધારી લૂંટારો.

mumbai mumbai news bhayander Crime News mumbai crime news