પ્રિન્સિપાલના દીકરાએ ​ફરિયાદ ન નોંધાય એ માટે લાંચ આપવાનો કર્યો પ્રયાસ

29 February, 2020 07:46 AM IST  |  Shirish Vaktania, Diwakar Sharma

પ્રિન્સિપાલના દીકરાએ ​ફરિયાદ ન નોંધાય એ માટે લાંચ આપવાનો કર્યો પ્રયાસ

જેમ્સ થૉમસ પિછાટ

ભાઈંદરની હૉલી ક્રૉસ મિલિટરી સ્કૂલના પ્રિન્સિપાલે શાળામાં હિન્દી ભાષામાં વાત કરી રહેલા ૧૧ વર્ષના બાળકનો દાંત તોડી નાખ્યો હતો. ભાઈંદર પોલીસ સ્ટેશનમાં આ અત્યાચારની ફરિયાદ નોંધાવવા ગયેલા વિદ્યાર્થીના પિતાને લાંચ આપવાનો પ્રયાસ પ્રિન્સિપાલના દીકરાએ કર્યો હતો.

શાળામાં હિન્દીમાં વાત કરી રહેલા બાળકનો દાંત તોડ્યા બાદ પ્રિન્સિપાલના દીકરા વિલિયમસને મામલાની ફરિયાદ ન નોંધાય એ માટે વિદ્યાર્થીના પિતાને લાંચના ભાગરૂપે વિદ્યાર્થીની ૧૦મા ધોરણ સુધીની શાળા-ફી માફ કરવાની તૈયારી દાખવી હતી. વિલિયમસને વિદ્યાર્થીના પિતાને આપેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘હું, વિલયમસન પિછાટ અહીં જણાવું છું કે વિદ્યાર્થીનું અમે પૂર્ણપણે ધ્યાન રાખીશું અને તેની ૧૦મા ધોરણ સુધીની ફી શાળા ભરશે.’

હૉલી ક્રૉસ મિલિટરી સ્કૂલના પ્રિન્સિપાલ જેમ્સ થૉમસ પિછાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં જે કર્યું એ વિદ્યાર્થીના ભવિષ્ય માટે કર્યું છે. તેણે શાળામાં ફરજિયાત અંગ્રેજીમાં જ વાત કરવી જોઈએ. શીખવાની આ જ સાચી ઉંમર છે. મેં તેને કોઈ માર નથી માર્યો. હું છેલ્લાં ૪૦ વર્ષથી ગ્રામર ભણાવું છું. વિદ્યાર્થીઓ માટે આ યોગ્ય પનિશમેન્ટ છે.’

વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે ‘મારા દીકરા ઉપરાંત એક છોકરી સહિત અન્ય ચાર જણને પ્રિન્સિપાલ જેમ્સ થૉમસ પિછાટે સહન ન કરી શકાય એવી આકરી શિક્ષા કરી છે. હું ભાઈંદરના નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે પ્રિન્સિપાલના પુત્ર વિલિયમસને ત્યાં આવીને મને કેસ ફાઇલ નહીં કરવાની વિનંતી કરી હતી. તે મને પગે લાગ્યો અને મારા દીકરાના દસમા ધોરણ સુધીના ભણતરની ફી સ્કૂલ તરફથી ચૂકવવાની ખાતરીનો પત્ર પણ આપ્યો હતો.’

આ ઘટનાના સંદર્ભમાં મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના મેમ્બર વિજય ડોઇફોડેએ જણાવ્યું હતું કે ‘સામાન્ય રીતે આવા કેસમાં એફઆઇઆર નોંધાયા બાદ પોલીસ અમને જાણ કરતી હોય છે. પોલીસ કેસ ટાળવા માટે દસમા ધોરણ સુધીની ફી આપવાની ઑફર લાંચ સમાન ગણાય. આ કેસમાં વિદ્યાર્થીના પિતા અને શાળા બન્ને વિરુદ્ધ સામે પોલીસે ફરિયાદ નોંધવી જોઈએ. વિદ્યાર્થીનાં માતા-પિતાને ઑફર સ્વીકારવાનું દબાણ કર્યું હોવાની શક્યતા છે.’

જ્યારે નવઘર પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીના પિતાની ફરિયાદ લઈ લીધી છે. વિદ્યાર્થીનું મેડિકલ ચેકઅપ થયું હતું પણ તેના પિતાએ પીછેહઠ કરી લીધી. લાંચ આપવાના પ્રયાસની અમને ખબર નથી.’

mumbai news Crime News mumbai crime news shirish vaktania diwakar sharma mumbai crime branch