મુંબઈ: માસ્ક નહીં તો પેટ્રોલ નહીં

19 September, 2020 11:31 AM IST  |  Mumbai | Samiullah Khan

મુંબઈ: માસ્ક નહીં તો પેટ્રોલ નહીં

વસઈના પેટ્રોલ પંપ પર થયેલા હુમલાનો સીસીટીવી ગ્રેબ. તસવીર : હનિફ પટેલ

વસઇના માણિકપુરમાં ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ ધરાવતા મુકેશ પટેલે શુક્રવારે સાંજે ૬.૩૦ વાગ્યે તેમના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલા બે ગ્રાહકોને તેમણે માસ્ક ન પહેર્યો હોવાથી પેટ્રોલ આપવાની ના પાડી દીધી હતી. એ પછી એ બંને તેમના ૧૦-૨૦ સાગરીતોને લઇ પાછા આવ્યા હતા અને તેમની મારઝૂડ કરી પેટ્રોલ પંપની પણ તોડફોડ કરી હતી. એટલું જ નહી તેમણે પેટ્રોલ પંપની મહિલા કર્મચારીને પણ મારી હતી. મારઝૂડની આ ઘટના પેટ્રોલ પંપ પર લગાવાયેલા સીસીટીવી કેમેરામાં ઝીલાઈ ગઈ હતી.

પોલીસે કહ્યું હતું કે એ બંને યુવાનોએ માસ્ક નહોતા પહેર્યા એથી મુકેશ પટેલે તેમને પેટ્રોલ આપવાની ના પાડી દેતા તેમણે ઝઘડો કર્યો હતો. એ પછી થોડી જ વારમાં તેઓ તેમના ૧૦-૨૦ સાગરીત સાથે પાછા ફર્યા અને મુકેશ પટેલ, તેમના દીકરા , ભત્રીજા અને તેમને ત્યાં કામ કરતી મહિલા ક્રમચારીની પણ મારઝૂડ કરી હતી.

મહિલા કર્મચારી પ્રતિષ્ઠા રાણેએ એ કહ્યું હતું કે એ વખતે પેટ્રોલનું ટેન્કર આવ્યું હતું અને એ ટેન્કમાં ખાલી થઇ રહ્યું હતું એથી હું તેની બાજુમાં ઊભી હતી. એ વખતે આરોપી યુવાને આવીને મને ગાળો ભાંડી હતી અને લાફો મારી દીધો હતો અને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું અને નાસી ગયો હતો.

માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ કહ્યું હતું કે અમને જ્યારે ઘટનાની જાણ થઇ ત્યારે અમારા બે કોન્સ્ટેબલ ત્યાં ધસી ગયા હતા. જેમાંથી એક જણે તેનું વિડિયો રેકોર્ડિંગ કર્યું છે. જે અમને તપાસમાં કામ લાગશે. અમે વિડિયો ફુટેજ પણ મેળવ્યા છે અને અમારા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચલાવી રહ્યા છે. અન્ય એક પોલીસ ઓફિસરે કહ્યું હતું કે પહેલા અમારા બે કોન્સ્ચટેબલ ત્યાં ગયા હતા તેઓ આરપીઓને પકડે એ પહેલાં જ તેઓ નાસવા માંડયા હતા. અમારા બીજા કર્મચારીઓ ત્યાં પહોચ્યાં એ પહેલાં એ લોકો નાસી ગયા હતા. અમે તેમની શોધ ચલાવી રહ્યા છીએ તેમની સામે તોફાન કરવાનો કેસ નોંધાઇ શકે.

mumbai mumbai news samiullah khan vasai Crime News mumbai crime news