મુંબઈ : મીરા રોડના સ્પામાં ચાલતો હતો દેહવ્યવસાય

08 November, 2020 07:43 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : મીરા રોડના સ્પામાં ચાલતો હતો દેહવ્યવસાય

પ્રતીકાત્મક તસવીર

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ અસ્તિત્વમાં આવ્યા બાદ આ વિસ્તારમાં ચાલતા ગોરખધંધાઓ સામે પોલીસ કડક થવાથી સેક્સ રૅકેટ ચલાવનારાઓએ પોલીસથી બચવા માટે નવા નવા નુસખા અપનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કાશીમીરા પોલીસે શુક્રવારે જીસીસી ક્લબ પાસેના એક સ્પા સેન્ટરમાં દરોડો પાડીને દેહવ્યવસાય કરતી ચાર યુવતીનો છુટકારો કરવાની સાથે સ્પાના માલિક સામે ગુનો નોંધ્યો હતો.

કમિશનર સદાનંદ દાતેની મીરા ભાઈંદર, વસઈ-વિરારમાં નિયુક્તિ કરાયા બાદ મીરા રોડથી માંડીને વિરાર સુધીના વિસ્તારમાં ચાલતા ગોરખધંધા કરનારાઓ પોલીસની નજર બચાવવા માટે જુદા જુદા રસ્તાઓ અપનાવી રહ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે મીરા રોડમાં હાટકેશ વિસ્તારની જીસીસી ક્લબ પાસેના તોરેસ સ્પા મસાજ સેન્ટરની આડમાં દેહવ્યવસાય કરાવાઈ રહ્યો છે.

બાતમી મળ્યા બાદ કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હઝારેના માર્ગદર્શનમાં પોલીસની ટીમે આ સ્પા સેન્ટરમાં દરોડો પાડ્યો હતો. સ્પામાં મસાજને નામે યુવતીઓ પાસેથી દેહવ્યવસાય કરાવાઈ રહ્યો હોવાનું પોલીસની નજરમાં આવ્યા બાદ પોલીસે અહીંથી ચાર યુવતીનો છુટકારો કરાવ્યો હતો અને સ્પાના માલિક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં મોટા પાયે આ પ્રકારના ગોરખધંધા પહેલાં ખુલ્લેઆમ ચાલતા હતા, પરંતુ સ્વતંત્ર કમિશનરેટ બન્યા બાદ કમિશનર સદાનંદ દાતેના માર્ગદર્શનમાં પોલીસ સક્રિય થવાથી આવા ધંધાઓ સામે સતત કાર્યવાહી કરાઈ રહી હોવાથી સ્થાનિક ગુનેગારો ફફડી ઊઠ્યા છે. જોકે કેટલાક રીઢા ગુનેગારો સ્પા કે મસાજ પાર્લરની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં અચકાતા ન હોવાથી તેમને પણ સીધા કરવા માટે પોલીસે કમર કસી હોવાનું જણાઈ આવે છે.

Crime News mumbai crime news mumbai mumbai news mira road bhayander mumbai police