મુંબઈ: પ્રેમ નકારતાં સ્કૂલને ઉડાડી દેવાની ધમકી

21 November, 2020 11:28 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: પ્રેમ નકારતાં સ્કૂલને ઉડાડી દેવાની ધમકી

આરોપી સુજિત ગિડવાણી

અંધેરીના વર્સોવામાં આવેલી એક ફેમસ સ્કૂલને પત્ર લખીને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવાના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસ-તપાસમાં આ પત્ર એક યુવતીના નામે પુરુષે આપ્યો હોવાનું જણાતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ધમકીના આ પત્રથી યુવતી પરેશાન થશે એમ માનીને આરોપીએ સ્કૂલને પત્ર લખ્યો હતો, પરંતુ પોતે જ એમાં ફસાઈ ગયો હતો.

કફ પરેડ પોલીસે જણાવ્યું કે આરોપી સુજિત ગિડવાણી એક વર્ષ પહેલાં ડેટિંગ ઍપ પર ૨૩ વર્ષની યુવતી સાથે ફ્રેન્ડશિપ થયા બાદ લગ્ન કરવા માગતો હતો. ત્યાર બાદ બન્ને ચૅટથી એક વર્ષ સુધી સંપર્કમાં રહ્યાં હતાં. આરોપીએ પછી યુવતીને લગ્ન કરવાનું કહેતાં તેણે પોતાનો બૉયફ્રેન્ડ છે અને તે તેની સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે એમ કહીને લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.

યુવતીએ પોતાના પ્રેમને નકારતાં આરોપીએ તેને પાઠ ભણાવવા માટે યુવતીના નામે વર્સોવાની ફેમસ સ્કૂલને બૉમ્બથી ઉડાડી દેવાનો પત્ર લખ્યો હતો. પત્રમાં યુવતીના નામ સહિતની વિગતો હોવાથી સ્કૂલના સંચાલકોએ કફ પરેડ પોલીસ-સ્ટેશને ચેતવણી આપવાની સાથે ધમકીની ફરિયાદ નોંધાવી હતી.

કફ પરેડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજકુમાર ડોગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પહેલાં જેના નામે પત્ર લખાયો હતો એ યુવતીને શોધી કાઢીને પત્ર સંદર્ભમાં પૂછપરછ કરી હતી. તેણે આ પત્રો વિશે કશું જાણતી ન હોવાનું કહ્યું હતું. તપાસમાં અંધેરીમાં રહેતો સુજિત પોતાને કેટલાક સમયથી પરેશાન કરતો હોવાનું જણાવ્યું હતું. આરોપીને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ દરમ્યાન સુજિત ગિડવાણીએ પત્રો મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી.’

mumbai mumbai news versova andheri cuffe parade Crime News mumbai crime news