મુંબઈ : હોટેલ કે શૉપિંગમાં કાર્ડથી પેમેન્ટ કરતા હો તો ચેતી જજો

25 February, 2021 07:30 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ : હોટેલ કે શૉપિંગમાં કાર્ડથી પેમેન્ટ કરતા હો તો ચેતી જજો

ફાઈલ તસવીર

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના અંધેરી યુનિટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ક્લોન કરીને એના આધારે લોકોનાં નાણાં તફડાવી લેતી ગૅન્ગના આઠ સભ્યોને ઝડપી લીધા છે. અંધેરીની એક હોટેલ, એક આઇસક્રીમ પાર્લર અને કપડાંની એક દુકાનમાં આવતા કસ્ટમરોનાં ડેબિટ કાર્ડનો ડેટા ચોરીને એના આધારે આ ટોળકીએ છેલ્લા છ મહિનામાં ૧૦૦૦ કરતાં વધુ લોકોનાં અકાઉન્ટમાંથી નાણાં તફડાવ્યાં હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે.

આરોપી પાસેથી પોલીસે જપ્ત કરેલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ

લોકોને છેતરતી આ ટોળકીની મોડસ ઑપરેન્ડી વિશે માહિતી આપતાં ક્રાઇમ બ્રાન્ચ, અંધેરી યુનિટના સિનિયર પીઆઇ નંદકુમાર ગોપાળેએ કહ્યું હતું કે ‘હોટેલમાં આવતા કસ્ટમરો જ્યારે તેમનું બિલ ચૂકવવા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ આપે ત્યારે એ હોટેલમાં જ મૅનેજર અને વેઇટર તરીકે કામ કરતા આ ટોળકીના સભ્યો ઍક્ટિવ થઈ જતા. વેઇટર પહેલાં કાર્ડ ૨૩ વર્ષના મૅનેજર યશવંત ગુપ્તા પાસે લઈ જતો. એ માટે તેને ૫૦૦ રૂપિયા મળતા. યશવંત ગુપ્તા તેની પાસેના સ્કિમિંગ મશીન પર એ કાર્ડને સ્વાઇપ કરીને કાર્ડનો ડેટા લઈ લેતો. ત્યાર બાદ જાતે એ કાર્ડ લઈને કસ્મટર પાસે મશીન લઈ જતો. કસ્ટમર જ્યારે પિન એન્ટર કરે ત્યારે એ પિન તે યાદ રાખી લેતો. ત્યાર બાદ એ માહિતી ગૅન્ગના મુખ્ય સૂત્રધાર મો. ફૈઝ કમરહુસેન ચૌધરીને આપવામાં આવતી જે સ્કિમર દ્વારા મેળવેલી માહિતી બીજા કાર્ડ પર લઈને ક્લોન કાર્ડ બનાવી આપતો. એ ક્લોન કરેલા કાર્ડના આધારે ત્યાર બાદ પુણે, કોલ્હાપુર, સાતારા એમ લાંબેનાં સ્થળોએ જઈને ત્યાંના એટીએમમાંથી પૈસા કઢાવી લેવાતા હતા. કસ્ટમરને ખબર પણ ન પડતી કે તેણે કોઈને પિન આપ્યો નથી અને કાર્ડ પણ તેની પાસે છે તો એટીએમમાંથી પૈસા કઈ રીતે ‍ઉપાડી લેવા આવે છે.’

એચડીએફસી બૅન્કના કૉર્પોરેટ બ્રાન્ચના ડેપ્યુટી મૅનેજરે આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે તેમના ઘણા કસ્ટમરો ફરિયાદ કરી રહ્યા છે કે તેમના અકાઉન્ટમાંથી નાણાં સેરવી લેવાય છે. એથી આ બાબતે તપાસ હાથ ધરાઈ હતી. એમાં એ છેતરનારાઓમાંથી ઘણા લોકો અંધેરીના મહાકાલી કેવ્સ રોડ પર આવેલી એ હોટેલમાં ગયા હતા અને ત્યાં કાર્ડથી પેમેન્ટ કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું. એથી જ્યારે હોટેલ પર જઈને તપાસ કરાઈ ત્યારે જાણ થઈ હતી કે હોટેલમાં રાખેલો મૅનેજર યશવંત ગુપ્તા ઉર્ફે સોનુ કસ્ટમરોનાં કાર્ડ સ્કિમ કરતો હતો. આ વાતની જાણ થતાં હોટેલમાલિકે તેને કામ પરથી કાઢી નાખ્યો હતો. જોકે એમ છતાં તેની વિગતો મેળવી તેની ૧૭ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મુખ્ય સૂત્રધાર મો. ફૈઝ કમરહુસેન સહિત અન્ય આરોપીઓને પણ ઝડપી લેવાયા હતા. પુણે, કોલ્હાપુર અને સાતારાનાં જે-જે એટીએમમાંથી પૈસા કઢાવાયા હતા ત્યાંના સીસીટીવી કૅમેરામાં આરોપીઓ ઝડપાઈ ગયા હતા. એનાં સીસીટીવી ફુટેજ પોલીસે મેળવ્યાં હતાં.

આરોપીઓ પાસેથી ૯ સ્કિમર, ૧૪૯ ક્લોન કરાયેલાં કાર્ડ, ૨૨ ડેબિટ કાર્ડ, ૮ મોબાઇલ ફોન, ડેલનું લૅપટૉપ, પેન ડ્રાઇવ, મૅગ્નેટિક સ્ટ્રિપ રીડર મશીન અને ડેટા કૉપી કરવા વપરાયેલી સીડી જપ્ત કરવામાં આવ્યાં હતાં. તેમને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને ૨૬ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news