મુંબઈ : કાર વેચવાના નામે 60 લોકો સાથે છેતરપિંડી

21 November, 2020 11:28 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : કાર વેચવાના નામે 60 લોકો સાથે છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

ચેમ્બુરમાં કાર વેચવાના બહાને ૬૦ લોકો સાથે એક કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. સોશ્યલ મીડિયામાં ઍપ પર કાર વેચવાની જાહેરાત આપ્યા બાદ કાર ખરીદવા માગતા લોકોને કાર બતાવી પૈસા લઈને છેતરપિંડી થતી હોવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપી અને તેના સાથીઓએ એક કરોડ રૂપિયાથી વધુની ચીટિંગ કરી હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર ફરિયાદી સંજય માળીએ સોશ્યલ મીડિયા ઍપ ઓએલએક્સ પર એક કારની જાહેરાત જોઈ હતી. એને જોવા માટે આરોપીએ ફરિયાદીને ચેમ્બુર બોલાવ્યા હતા. કાર ચેક કર્યા બાદ ફરિયાદીએ કાર ખરીદવાનો નિર્ણય લીધો હતો. આરોપીએ કારનું પેમેન્ટ લઈને કાર તેના નામે ટ્રાન્સફર થયા બાદ ડિલિવરી આપવાનું કહ્યું હતું.

જોકે પેમેન્ટ આપ્યા બાદ આરોપીએ કારની ડિલિવરી આપવાને બદલે ફોન રિસીવ કરવાનું જ બંધ કરી દેતાં દાળમાં કંઈક કાળું હોવાની શંકા જતાં ફરિયાદીએ ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને મોહમ્મદ વાશીમ કુરેશી નામના આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે તેના સાથીઓને શોધી રહી છે.

ચેમ્બુરનાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શાલિની શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધી ૬૦ ફરિયાદ આવી છે, જેમા એક કરોડ કરતાં વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જણાયું છે. આ મામલામાં અત્યારે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બાકીનાને પણ ઝડપી લેવાની કાર્યવાહી ચાલી રહી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news chembur