1.4 કરોડના ડ્રગ્સ સાથે કાંદિવલીમાંથી બે વિદેશી સહિત ચાર આરોપીની ધરપકડ

13 December, 2020 10:45 AM IST  |  Mumbai | Mumbai Correspondent

1.4 કરોડના ડ્રગ્સ સાથે કાંદિવલીમાંથી બે વિદેશી સહિત ચાર આરોપીની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ક્રાઇમ બ્રાન્ચની કાંદિવલી બ્રાન્ચે ગુરુવારે સાંજે કાંદિવલી (વેસ્ટ)ના ખજુરિયા ટૅન્ક રોડ પરથી કુલ ચાર જણની રૂપિયા ૧.૪ કરોડના ડ્રગ્સ સાથી ધરપકડ કરી છે, જેમાં બે વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓએ કહ્યું છે કે તેઓ એ વિદેશી આરોપી સાથે હિન્દીમાં જ વાત કરતા હતા અને તેમને હિન્દી બોલતાં સારું આવડે છે. જ્યારે કે એ વિદેશી આરોપીઓએ પોલીસ સામે હિન્દીમાં બોલવાનું ટાળ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચ-૧૧ કાંદિવલી યુનિટના સિનિયર પીઆઇ સુનીલ માનેને માહિતી મળી હતી કે કેટલાક લોકો ડ્રગની ડિલિવરી માટે આવવાના છે. એથી તેમણે તેમની ટીમ સાથે વૉચ રાખી. રિક્ષામાં આવેલા બે આરોપીઓ ૩૩ વર્ષનો તુંટન રંગનાથ ચૌહાણ અને ૩૪ વર્ષનો સની સંજય સાહુ ત્યાં આવ્યા હતા. તેમની પાછળ-પાછળ બે વિદેશી નાગરિકો ૩૧ વર્ષનો ફ્લુંગાસ ઉર્ફ રોલાસ ઉર્ફ મુસ્તફા અને ૩૪ વર્ષનો જરમન જેરી અબાહ બાઇક પર ત્યાં આવ્યા હતા. તેમણે રિક્ષામાં બેઠેલા બન્ને આરોપીઓને ડ્રગનું પૅકેટ આપ્યું હતું. એ વખતે જ તેમને બધાને ઝડપી લેવાયા હતા. એ પૅકેટમાં ૧.૪ કરોડ રૂપિયાનું ૭૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતાં એ જપ્ત કરાયું હતું.

સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બે આરોપી તુંટન ચૌહાણ અને સની સાહુની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે બન્ને વિદેશી આરોપીઓ સાથે તેઓ હિન્દીમાં જ વ્યવહાર કરતા હતા. તેમને બન્નેને હિન્દી બોલતાં આવડે છે. જોકે અમે જ્યારે એ બન્ને વિદેશી આરોપીઓને હિન્દીમાં સવાલો કર્યા ત્યારે તેમણે હિન્દી ન સમજાતું હોવાનું કહ્યું છે. અમે એ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છીએ. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે વડાલા ટીટી પોલીસ સ્ટેશનમાં બે, જ્યારે માટુંગા પોલીસ સ્ટેશનમાં એક ગુનો આ પહેલાં પણ નોંધાયેલો છે.’

Crime News mumbai crime news kandivli mumbai mumbai news crime branch