લૉકડાઉનમાં ફિંગરપ્રિન્ટ બ્યુરોની ઉત્તમ કામગીરીમાં 63 ગુનેગારને પકડાવ્યા

19 October, 2020 10:22 AM IST  |  Mumbai | Samiullah Khan, Vishal Singh

લૉકડાઉનમાં ફિંગરપ્રિન્ટ બ્યુરોની ઉત્તમ કામગીરીમાં 63 ગુનેગારને પકડાવ્યા

પ્રતીકાત્મક તસવીર

ગુનેગારોને ઝડપી લેવામાં પોલીસનો ફિંગરપ્રિન્ટ બ્યુરો મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. લૉકડાઉનના સમય દરમ્યાન માર્ચ ૨૦૨૦થી લઈને સપ્ટેમ્બર ૨૦૨૦ દરમ્યાન એના ઑફિસરોએ ૩૮૧૫ જગ્યાએ જઈ તપાસ કરી આપેલી માહિતીના આધારે ૬૩ જેટલા ગુનાગારોને ઝડપી લેવાયા હતા. કોરાના કાળમાં પણ ફિંગરપ્રિન્ટ્સ ડિપાર્ટમેન્ટના ઑફિસરો ઘટનાસ્થળે જતા હતા અને ત્યાંથી ફિંગરપ્રિન્ટના સૅમ્પલ લઈ એના આધારે તપાસ ચલાવતા હતા. જોકે એથી ૧૨ ઑફિસરો પણ કોરોનાના સંસર્ગમાં આવ્યા હતા અને કોરોનાગ્રસ્ત થયા હતા. જોકે આને કારણે કામ ધીમું પડી ગયું.

ફિંગરપ્રિન્ટ બ્યુરોના જણાવ્યા અનુસાર ૨૦૧૯માં તેમના યુનિટે ૧૨૮૧ સ્થળોની મુલાકાત લઈ ૧૧૪૩ ફિંગરપ્રિન્ટ કલેક્ટ કરી હતી જેમાંથી ત્યાર બાદ ૧૦૪ ગુનેગારોને પોલીસે પકડી પાડ્યા હતા. લૉકડાઉન દરમ્યાન મુંબઈમાં વરલી, દાદર, ધારાવી, માહિમ, શિવાજીનગર, માનખુર્દ, ગોરેગામ અને દહિસર એવા હૉટસ્પૉટ હતા જ્યાં બહુ જ ચોરીઓ થતી હતી. એ જગ્યાએ ફિંગરપ્રિન્ટ બ્યુરોના ઑફિસરે જઈ સૅમ્પલ લઈ ચકાસણી કરતા અને એના આધારે પોલીસ વધુ તપાસ કરતી. ૨૪ કલાક તેમનું કામ ચાલુ રહેતું.

મલાડમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલી ૪૫ લાખની ચોરીના ઘટનાસ્થળે જઈ તેમણે કલેક્ટ કરેલી ફિંગરપ્રિન્ટની તપાસમાં એ ચોરી રીઢા ગુનેગાર અજય ઉર્ફે અપાલુ ચિનપ્પાએ કરી હોવાનું જણાઈ આવ્યું હતું. એક ઑફિસરે માહિતી આપતાં વધુમાં કહ્યું હતું કે કોરોના કાળમાં ઘણા લોકો જે બહારગામ ગયા હતા તે પાછા ફરી શક્યા નહોતા અને અટવાઈ ગયા હતા. જ્યારે બીજા કેટલાક કેસમાં લોકો કોરોનાગ્રસ્ત થતાં ઘરે નહોતા. એવા બંધ ફ્લૅટ પર તસ્કરો નજર રાખતા અને લાગ જોઈ ચોરી કરતા હતા.

mumbai mumbai news samiullah khan vishal singh coronavirus lockdown Crime News