ફૅશન ડિઝાઈનરના વિનયભંગના આરોપસર ફિલ્મ પ્રોડ્યુસરની ધરપકડ કરાઈ

21 January, 2020 01:21 PM IST  |  Mumbai

ફૅશન ડિઝાઈનરના વિનયભંગના આરોપસર ફિલ્મ પ્રોડ્યુસરની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

ફિલ્મ-ટીવી સિરિયલમાં કામ અપાવવાને નામે મળવા બોલાવ્યા બાદ સુરતની ફૅશન ડિઝાઈનરનો વિનયભંગ કરવાના આરોપસર ઓશીવરા પોલીસે મલાડમાં રહેતા કહેવાતા ફિલ્મ પ્રોડ્યુસરની ત્રણ દિવસ પહેલાં ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદી ફૅશન ડિઝાઈનરે ટીવી સિરિયલમાં લીડ રોલ અપાવવા માટે કૉમ્પ્રોમાઈઝ કરવાની માગણી કરી હોવાનું પણ પોલીસમાં લખાવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ સુરતમાં રહેતી ૨૫ વર્ષની ફૅશન ડિઝાઈનર અભિનય ક્ષેત્રમાં ઝંપલાવવા માગતી હોવાથી ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મુંબઈ આવી હતી. કૉમન ફ્રેન્ડ દ્વારા પીડિત ફૅશન ડિઝાઈનરનો સંપર્ક આરોપી રાજેશ ધામેચા સાથે થયો હતો.

આરોપીએ ફરિયાદીને ‘બડી બહુ તો બડી બહુ છોટી બહુ સુભાનઅલ્લા’ નામની એક ટીવી સિરિયલમાં લીડ રોલ આપવાની ઑફર કરેલી. એ માટે આરોપીએ તેને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવાની શરત મૂકેલી. આ શરત ફરિયાદીએ નામંજૂર કરતાં આરોપીએ તેની પાસેથી કામ અપાવવા માટે ૨.૫ લાખની માગણી કરી હતી. પોતાને અભિનેત્રી બનવું હતું એટલે ફરિયાદીએ રૂપિયા આપવાની હા પાડીને ૧.૭૫ લાખ રૂપિયાનો ચેક અને બાકીના ૭૫ હજાર રૂપિયા કૅશ આપ્યા હતા.

ફરિયાદ મુજબ રૂપિયા આપ્યા બાદ આરોપીએ ફૅશન ડિઝાઈનરને ગોરેગામમાં ફિલ્મીસ્તાન સ્ટુડિયો પાસેના એક બંગલામાં સવારે ૮ વાગ્યે લુક ટેસ્ટ આપવા બોલાવીને તેનો વિનયભંગ કર્યો હતો. અહીંથી ફરિયાદી જેમતેમ કરીને ભાગી છૂટી હતી. એ પછી પણ આરોપીએ એક ટીવી સિરિયલમાં કામ અપાવવા માટે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરેલી. પોતાને આ મંજૂર ન હોવાથી ના પાડી દીધા બાદ તેને કામ અપાવવા માટે આપેલા રૂપિયા પાછા માગ્યા તો તે ન આપતા ૯ જાન્યુઆરીએ ફૅશન ડિઝાઈનરે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

ઓશિવરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દયાનંદ બાંગરે કહ્યું હતું કે ‘ફૅશન ડિઝાઈનરે નોંધાવેલી ફરિયાદ બાદ અમે આરોપી રાજેશ ધામેચાની ૧૭ જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતાં તેને જામીન પર મુક્ત કરાયો હતો.’

આ પણ વાંચો : છેલ્લા નવ મહિનામાં કરોડો રૂપિયાની થઈ વીજળીની ચોરી

ફરિયાદી ફૅશન ડિઝાઈનરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસે માત્ર વિનયભંગની જ કલમો લગાડી છે. મને મરાઠી ભાષા આવડતી ન હોવાથી બાદમાં ખબર પડી છે. આરોપી રાજેશ ધામેચાએ મારી પાસેથી ૨.૫૦ લાખ રૂપિયા લઈને ચીટિંગ કરી હોવાનું પણ મેં ફરિયાદમાં નોંધાવ્યું છે. વચ્ચેના સમયમાં મારી માતાનું અવસાન થવાથી હું તેમાં બીઝી હતી. હવે હું મારા વકીલ સાથે ઓશિવરા પોલીસને મળીશ.’

mumbai news Crime News mumbai crime news oshiwara