મુંબઈ: સ્થળાંતરીઓ સાથે છેતરપિંડી કરનાર 61 વર્ષના એજન્ટની ધરપકડ

31 May, 2020 10:14 AM IST  |  Mumbai | Diwakar Sharma

મુંબઈ: સ્થળાંતરીઓ સાથે છેતરપિંડી કરનાર 61 વર્ષના એજન્ટની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

તુલિંજ પોલીસે શહેર છોડવા ઉત્સુક બિનશંકાસ્પદ સ્થળાંતરીઓને છેતરવા બદલ ૬૧ વર્ષના રિયલ એસ્ટેટ એજન્ટની ધરપકડ કરી છે. સત્યનારાયણ શર્મા નામના આરોપીએ સ્થળાંતરીઓને ખાતરી આપી હતી કે હું રૂપિયા લઈને તમને ઉત્તર પ્રદેશ જવા ઊપડતી ટ્રેનમાં બેસાડી દઈશ.

પોલીસને જુદા-જુદા લોકો પાસેથી દલાલો વિશે ફરિયાદો મળી રહી છે, જેઓ વતન જવા ઇચ્છુક સ્થળાંતરીઓ પાસેથી ઊંચી રકમની માગણી કરે છે. શર્મા સ્થળાંતરીઓ પાસેથી ૬૦૦૦ રૂપિયા લેતાં મોબાઇલ-ક્લિપમાં ઝડપાઈ ગયો હતો.

૬.૪૪ મિનિટ લાંબી ક્લિપમાં શર્મા સ્થળાંતરીઓને તેમનું આધાર કાર્ડ લાવવા જણાવતો સંભળાય છે. તે એમ પણ કહે છે કે તમારે લાંબી લાઇનમાં ઊભા નહીં રહેવું પડે. હું તમને ટોકન આપીશ ત્યાર પછી તમે બસમાં નાલાસોપારાથી વસઈ સ્ટેશન પહોંચશો. ત્યાંથી હું તમને ટ્રેનમાં બેસાડી દઈશ. એક સ્થળાંતરી શ્રમિક એજન્ટને બે ટિકિટના ૬૦૦૦ રૂપિયા ચૂકવતો દેખાય છે.

તપાસ સાથે સંકળાયેલા એક તુલિંજના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘શર્મા આ કેસમાં તેની ભૂમિકાને નકારે છે. તેણે અમને જણાવ્યું કે મને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે અને મેં સ્થળાંતરીઓને પૈસા પાછા આપી દીધા છે. મને ડાયાબિટીઝ અને હાઇપર ટેન્શનની બીમારી છે. તેની બીમારીને લીધે અમારે તેની પૂછપરછ કરતી વખતે કાળજી રાખવી પડે છે.’

હાલમાં પોલીસ શર્મા સ્થળાંતરીઓને છેતરવાનું રૅકેટ ચલાવતી ગૅન્ગનો ભાગ છે કે નહીં એની તપાસ ચલાવી રહી છે. અધિકારીએ ઉમેર્યું હતું કે ‘અમે લોકોને સલામતી પૂરી પાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ અને સ્થળાંતરીઓને કોઈ પણ જાળમાં ન ફસાવાની વિનંતી કરી રહ્યા છીએ. તમામ લોકોને વિનામૂલ્ય ટ્રેન-સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે અને તેમની પાસેથી એક પણ પૈસો લીધા વિના તેમને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં બેસાડવામાં આવશે.’

mumbai mumbai news Crime News diwakar sharma coronavirus covid19