મુંબઈ: થાણેની ખંડણી વિરોધી શાખાનો અધિકારી જ ખંડણીખોર

19 February, 2020 07:40 AM IST  |  Mumbai | Vishal Singh

મુંબઈ: થાણેની ખંડણી વિરોધી શાખાનો અધિકારી જ ખંડણીખોર

થાણે ખંડણી વિરોધી શાખાના પીઆઇ રાજકુમાર કોથમીરે

થાણેના વેપારી સાથે વાહનોની ડીલિંગ બાબતે ભૂતપૂર્વ પીઆઇ સાથે વાંધોવચકો પડતાં થાણેના ખંડણી વિરોધી શાખાના અધિકારીએ પૈસા નહીં આપે તો એન્કાઉન્ટર કરી નાખીશ એવી ધમકી આપી હોવાનું જાણવા મળ્યું હતું.

થાણેમાં રહેતા ૩૪ વર્ષના અફસર ઇદરીસ ખાનની ભૂતપૂર્વ પીઆઇ મહાદેવ કાકડે અને તેના દીકરા સાથે ૨૦૧૮માં મુલાકાત થઈ હતી. ખાન જૂનાં ટ્રક્સ-કારનો વ્યવસાય કરતો હતો. કાકડેએ વાહનો ખરીદીને એને વેચવાનો સાઇડ બિઝનેસ કરે છે એવું ખાનને કહ્યું હતું. બન્ને વચ્ચે જૂનું ટ્રેલર વેચવા માટે ડીલ થઈ હતી. જોકે આ ડીલને કારણે બન્ને વચ્ચે વાંધો પડ્યો હતો. કાકડેએ બાદમાં પોતે રિટાયર્ડ ઇન્સ્પેક્ટર છે અને જો તે રકમ પાછી નહીં આપે તો પરિણામ ભોગવવાં પડશે એવી ધમકી આપી હતી. થોડા દિવસ બાદ આ મામલે થાણે ખંડણી વિરોધી શાખાના પીઆઇ રાજકુમાર કોથમીરેએ ખાનને ધમકી આપી હતી કે જો તું પૈસા પાછા નહીં આપે તો તારું એન્કાઉન્ટર કરી નાખીશ.

ખાને થાણેના વધારાના પોલીસ કમિશનરને રાજકુમાર કોથમીરે એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હોવાની લેખિતમાં ફરિયાદ કરી હતી. ખાને ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે જે પૈસા મારા ખાતામાં જમા જ થયા નથી એને હું કેવી રીતે પાછા આપું. કોથમીરેનો આ અંગે સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘હું આ બાબતે કંઈ જ કહેવા નથી માગતો.’ દરમ્યાન કાકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ખાન વિરુદ્ધ અનેક ફરિયાદ કરી હતી, પણ તેણે મારા પૈસા પાછા નહોતા આપ્યા.’

mumbai mumbai news Crime News mumbai crime news thane thane crime vishal singh