વૅક્સિન રજિસ્ટ્રેશનના ઑનલાઇન ફ્રૉડનો શિકાર બન્યા સિનિયર સિટિઝન

11 February, 2021 07:23 AM IST  |  Mumbai | Mehul Jethva

વૅક્સિન રજિસ્ટ્રેશનના ઑનલાઇન ફ્રૉડનો શિકાર બન્યા સિનિયર સિટિઝન

ફાઈલ તસવીર

વધી રહેલા ઑનલાઇન ફ્રોડના કેસમાં તાજેતરમાં પવઈમાં રહેતા એક સિનિયર સિટિઝન સાથે વૅક્સિન લેવાના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સિનિયર સિટિઝન રેલવેની ટિકિટ બુક કરાવી રહ્યાં હતા ત્યારે તેમની સાથે સાડા ત્રણ લાખ રૂપિયાની ચીટિંગ થઈ હતી. પોલીસે પણ વૅક્સિનેશનના નામ પર છેતરપિંડી થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરીને લોકોને અલર્ટ રહેવાનું કહ્યું છે તેમ જ તેમને કોઈને પણ ઓટીપી કે કોઈ નંબર બીજા સાથે શૅર નહીં કરવાની સલાહ આપી છે. આમ છતાં પવઈના આ ભાઈ વૅક્સિન લેવાની લાયમાં છેતરાઈ ગયા.

પવઈ પોલીસે જણાવ્યું હતું કે ‘પવઈમાં હીરાનંદાનીમાં રહેતા ૭૫ વર્ષના ત્રિશામ નરેમ સિંગ ઉત્તર પ્રદેશ જવા માટે ઑનલાઇન ટિકિટ-બુકિંગ કરાવી રહ્યા હતા એ દરમ્યાન એ જ વેબસાઇટ પર એક પૉપ અપ આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે વૅક્સિનેશન લેવા માટે અહીં ક્લિક કરો. તેમણે ક્લિક કરતાં એક અલગ વેબસાઇટ ખૂલી હતી જેમાં નંબર નાખવાનો ઑપ્શન આવ્યો હતો. નંબર નાખતાંની સાથે તેમને એક નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં તેમને ટીમવ્યુઅર ઍપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું (ટીમવ્યુઅરમાં કોઈ એક કમ્પ્યુટર અથવા મોબાઇલ પર ચાલતો પ્રોગ્રામ બીજામાં જોઈ શકાય અને સાથે ઑપરેટ પણ કરી શકાય છે). બુકિંગ કરાવવા માગતા સિનિયર સિટિઝનનો મોબાઇલ નંબર તેમની બૅન્ક સાથે લિન્ક હોવાથી છેતરપિંડી કરનાર યુવકે તેમને ઓટીપી સેન્ડ કરી હતી જે ટીમવ્યુઅર દ્વારા છેતરપિંડી કરતા યુવકને મળી ગઈ હતી. આ છેતરપિંડીમાં ત્રિશામ સિંગે ૩,૫૦,૦૦૦ રૂપિયા ગુમાવ્યા હતા. આની ફરિયાદ પવઈ પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.’

પવઈ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આભુરાવ સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિનિયર સિટિઝને ટીમવ્યુઅર માટે પોતાના મોબાઇલ પર આવેલી ઓટીપી છેતરપિંડી કરી રહેલા યુવકને આપી હતી જેને લીધે તેમની બધી વિગતો આરોપી સાથે શૅર થઈ ગઈ હતી. બસ, એને આધારે આરોપીએ અમુક ટ્રાન્ઝૅકશન કર્યા હતા જેમાં ફરિયાદીના સાડા ત્રણ લાખ રૂપિયા ગયા હતા. અમે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અનુસાર ફરિયાદ નોંધીને તપાસ કરી રહ્યા છીએ.’

Crime News mumbai crime news mumbai news powai mehul jethva