લોકલ ટ્રેનની રેકમાંથી સામાન ચોરનારા સિનિયર સિટિઝનની જીઆરપી દ્વારા ધરપકડ

31 January, 2020 02:05 PM IST  |  Mumbai | Samiullah Khan

લોકલ ટ્રેનની રેકમાંથી સામાન ચોરનારા સિનિયર સિટિઝનની જીઆરપી દ્વારા ધરપકડ

આરોપી જગનાલે

અંધેરી ગવર્મેન્ટ રેલવે પોલીસે લોકલ ટ્રેનમાં રેકમાંથી પ્રવાસીઓનો સામાન ચોરી જનારા ૬૫ વર્ષના સિનિયર સિટિઝનની મંગળવારે ધરપકડ કરી હતી.

જીઆરપી અધિકારીઓને ઘરની જડતી લેવા દરમ્યાન અન્ય ઘણી બૅગ, ઘડિયાળો, લૅપટૉપ, પાવર બૅન્ક અને વિવિધ કંપનીના મોબાઇલ ફોન જેવી આશરે ૧.૩ લાખની કિંમતની ચીજવસ્તુઓ પણ મળી આવી હતી.

પકડાયેલા આરોપીની ઓળખ દત્તારામ જગનાલે તરીકે કરવામાં આવી છે. તે તેની પત્ની અને બે પુત્રો સાથે ગોરેગામ વેસ્ટમાં લિન્ક રોડ નજીક બુદ્ધવિહારમાં રહે છે.

સોમવારે સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ચૌધરીની દેખરેખ હેઠળની ટીમ આ પ્રકારના ગુનાની તપાસ કરી રહી હતી ત્યારે કોન્સ્ટેબલ નાઇકને આરોપી જગનાલે આ પ્રકારના ગુના આચરતો હોવાની માહિતી મળતાં તેમણે એક બૅગ સાથે ફરી રહેલા જગનાલેને પકડ્યો હતો. તપાસ દરમ્યાન જગનાલે ગુનો કબૂલ્યો હતો અને માલૂમ પડ્યું હતું કે તેની પાસેથી મળી આવેલી બૅગ તેણે થોડી મિનિટો પહેલાં જ ચોરી હતી.

તપાસ દરમ્યાન એક ચોંકાવનારી વાત સામે આવી હતી કે જગનાલે સુખી પરિવારમાંથી આવે છે અને તે વાસણ બનાવતી કંપનીમાં કામ કરતો હતો. નિવૃત્તિ બાદ તે ઘરે રહેતો હતો. તેને બે પુત્રો અને એક પુત્રી છે અને તમામ સંતાનોનાં લગ્ન થઈ ચૂક્યાં છે. તેનો એક પુત્ર એરકન્ડિશનની દુકાન ચલાવે છે, જ્યારે બીજો પુત્ર ડ્રાઇવર છે. તેઓ અલગ-અલગ રૂમમાં રહે છે. એક રૂમમાં આરોપી તેની પત્ની સાથે રહે છે, જ્યારે પુત્રો આરોપીના બાજુમાં આવેલા અન્ય રૂમોમાં પોતપોતાના પરિવાર સાથે રહે છે.
જગનાલેની પત્નીનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોવાથી બન્ને પુત્રો માતા-પિતાની કાળજી રાખે છે અને તેમને નિયમિતપણે પૈસા આપતા રહે છે. તેમના પિતા ચોરી કરતાં પકડાયા તે જાણીને તેમને ઘણું જ આશ્ચર્ય થયું હતું.

goregaon andheri samiullah khan Crime News mumbai crime news mumbai crime branch mumbai news