ખારઘરમાં 50 લાખના મોબાઇલ ચોરનારી ગૅન્ગ પકડાઈ

09 September, 2020 12:33 PM IST  |  Mumbai | Mumbai correspondent

ખારઘરમાં 50 લાખના મોબાઇલ ચોરનારી ગૅન્ગ પકડાઈ

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં ખારઘરના મોબાઇલના એક બંધ શોરૂમમાંથી ૧૦ દિવસ પહેલાં ૫૦ લાખ રૂપિયાના મોબઇલની ચોરી થવાના મામલામાં નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી ૪૫ લાખ રૂપિયાના મોબાઇલ અને લૅપટૉપ જપ્ત કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઇલ શોરૂમનું શટર ગૅસ-કટરથી કાપીને આરોપીઓએ આ મોબાઇલ ચોર્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ શોરૂમમાં ચોરી કરવા માટે ચોરેલી ટૅક્સીમાં આવ્યા હતા.

પોલસે જણાવ્યા મુજબ નવી મુંબઈમાં ખારઘર ખાતે આવેલા શિવ ઇલેક્ટ્રૉનિક્સ નામના મોબાઇલના શોરૂમમાંથી ૩૦ ઑગસ્ટે રાતે શટર કાપીને ૫૦ લાખ રૂપિયાના મોબાઇલ ચોરાયા હતા. ખારઘર પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાઈ હતી.

નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં લાગી હતી. આરોપીઓ ચોરીને અંજામ આપ્યા બાદ પોતાની ઓળખ ન થઈ શકે એ માટે સીસીટીવી કૅમેરાનું ડીવીઆર પણ ઉપાડી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર એન. બી. કોલ્હટકરને આરોપીઓની બાતમી મળી હતી. તેમણે ધારાવીમાંથી શફીકુલ્લા ઉર્ફે સોનુ અતિકુલ્લા, અયાન ઉર્ફે નિસાર ઉર્ફે બિટ્ટુ રફી એહમદ શેખ અને ઇમરાન મોહમ્મદ ઉર્ફે ઇમ્મુ અન્સારીની ૪ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી.

આરોપીઓની પૂછપરછમાં જણાયું હતું કે તેમણે ૧૪ ઑગસ્ટે કુર્લામાંથી એક ટૅક્સી ચોરી કરી હતી, જેમાં બેસીને તેઓ ખારઘર આવ્યા હતા અને મોબાઇલના શોરૂમમાંથી મોબાઇલ ચોરીને પલાયન થઈ ગયા હતા. તેઓ ચોરીને અંજામ આપતાં પહેલાં કયા શોરૂમમાં કેટલો માલ છે એનો અભ્યાસ કારમાં ફરીને કરતા હતા. ટાર્ગેટ નક્કી થયા બાદ રાતના સમયે શટરની આગળ તાડપત્રી નાખીને ગૅસ-કટરથી શટર કાપીને ચોરી કરતા હતા. પહેલા નંબરના આરોપી સામે ૭, બીજા સામે બે અને ત્રીજા આરોપી સામે ચોરીના ૧૭ કેસ નોંધાયેલા છે. ચોરીના મોબાઇલ તેઓ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા વગેરે રાજ્યમાં ટ્રક મારફત મોકલીને એજન્ટને અડધા ભાવે વેચી દેતા હોવાનું તપાસમાં જણાયું છે.

Crime News mumbai crime news kharghar mumbai mumbai news