મુંબઈ : જેએનપીટીમાં ટ્રક-ડ્રાઇવરોને લૂંટનારાઓની ધરપકડ

24 June, 2020 07:14 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : જેએનપીટીમાં ટ્રક-ડ્રાઇવરોને લૂંટનારાઓની ધરપકડ

લૂંટમાં ઉપયોગમાં લેવાયેલાં શસ્ત્રો અને મુદ્દામાલ સાથે પોલીસ.

જેએનપીટીમાં હાઇવે પર થોડા સમય પહેલાં ડ્રાઇવર, સુપરવાઇઝર અને વૉચમૅન પાસેથી મોબાઇલ ફોન સાથે રોકડ રકમ ચોરી કરી આરોપી પલાયન થઈ ગયા હતા. આની ફરિયાદ પનવેલ પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ ચાલુ કરી હતી જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારે આરોપીઓ પાસેથી એક લાખ કરતાં વધારેનો માલ હસ્તગત કરવામાં આવ્યો છે.

ઘટના અનુસાર જેએનપીટી હાઇવે પરથી પસાર થઈ રહેલા ડ્રાઇવર, સુપરવાઇઝર સાથે વૉચમૅનને ચાકુનો ડર દેખાડી તે લોકો પાસે રહેલા મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના બની હતી, જેના આધારે પનવેલ શહેર પોલીસમાં આની ફરિયાદ કરવામાં આવી હતી. પનવેલ પોલીસે ઘટનાની નોંધ લઈ આસપાસનાં સીસીટીવી ફુટેજ તપાસ્યાં હતાં. ત્યાર બાદ પોલીસનાં ગુપ્ત સૂત્રો પાસેથી આ ચોરીમાં સામેલ આરોપીઓનો પત્તો લાગ્યો હતો, જેના આધારે શમસુદ્દીન અન્સારી, મોહમ્મદ ખાન, શાહીદ ખાન, નજર અન્સારીની પોલીસે અટક કરી છે. આ તમામ આરોપીઓ ગો‍વંડી વિસ્તારમાં રહે છે.

પનવેલ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર આ તમામ આરોપીઓ મિત્રો છે અને પોતાના નવાબી શોખ માટે ચોર કરે છે. આ ઉપરાંત આ આરોપીઓ ઉપર મુંબઈ, થાણે સહિત અનેક વિસ્તારનાં પોલીસ-સ્ટેશનોમાં બળજબરી અને ચોરી કરવાના ગુના દાખલ થયેલા છે. આમાં બે આરોપીઓની ખેરવાડી પોલીસે ૧૫ તારીખે એ વિસ્તારમાં ચોરી કરવા બદલ ધરપકડ કરી છે જેની તપાસ માટે અમે કોર્ટ પાસે મંજૂરી માગી છે. ૨૬ જૂન સુધીની પોલીસ-કસ્ટડી કોર્ટે આપી છે. અમને શંકા છે કે આવી અનેક ચોરીઓમાં આ લોકો સામેલ છે. આ લોકો પાસેથી એક લાખ નવ હજાર સુધીનો માલ હસ્તગત કરવામાં આવ્યો છે.

mumbai mumbai news panvel Crime News mumbai crime news mumbai police