થાણે: શૅરદલાલ પાસે ખંડણી માગવાના આરોપસર બેની ધરપકડ

27 October, 2020 11:23 AM IST  |  Thane | Agency

થાણે: શૅરદલાલ પાસે ખંડણી માગવાના આરોપસર બેની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

થાણે જિલ્લાના કોપરી વિસ્તારમાં ઑફિસ ધરાવતા શૅરદલાલ પાસેથી બંદૂકની અણીએ પૈસા પડાવવા બદલ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે કોવિડ-19નો રોગચાળો ફાટી નીકળતાં પહેલાં તે નિયમિત રીતે તેના એજન્ટો અને રોકાણકારોને નિયમિત રીતે પૈસા ચૂકવતો હતો. જોકે પરિસ્થિતિ કથળતાં તે તેમને પૈસા ચૂકવી શક્યો નહોતો. ફરિયાદી મારફત ૯૨ લાખનું રોકાણ કરનારી એક વ્યક્તિએ તેને તાત્કાલિક પોતાના પૈસા પરત કરવા કહ્યું હતું.

ફરિયાદીએ પૈસા ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરતાં તેણે તેના સહયોગીઓ કિશોર આઢવ અને અન્ય લોકો સાથે મળીને શૅરદલાલને કથિત માર માર્યો હતો.

૨૩ ઑક્ટોબરે ચાર વ્યક્તિ આઢવના સહયોગી હોવાનું કહીને ફરિયાદીની ઑફિસે પહોંચ્યા હતા અને થાણેમાં પોતાનો બિઝનેસ ચાલુ રાખવા બંદૂકની અણીએ તેની પાસે કથિત રીતે ૫૦ લાખ રૂપિયાની તેમ જ પ્રોટેક્શન મની તરીકે દર મહિને બે લાખ રૂપિયાની માગણી કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદીએ પૈસા ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરતાં તેઓએ તેના ઘરે લઈ જઈને તેની પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ લીધા હતા અને પ્રોટેક્શન મની તરીકે બે લાખ રૂપિયાની માગણી કરી હતી.

પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તેની ઑફિસ પાસે છટકું ગોઠવી શનિવારે બે લાખ રૂપિયા વસૂલ કરવા આવેલા આરોપી રોહિત કાંબળેની ધરપકડ કરી હતી. જોકે કારમાં બેસી રહેલો આઢવ નાસી છૂટ્યો હતો, જેને પોલીસે કલવા નાકા નજીક ઝડપી લીધો હતો. અન્ય બે આરોપીની શોધ કરવામાં આવી રહી છે.

mumbai mumbai news thane thane crime Crime News mumbai crime news