બીજેપીના રાજકારણીના ભત્રીજાની બળાત્કારના આરોપસર ધરપકડ કરાઈ

05 September, 2020 12:03 PM IST  |  Mumbai | Mumbai correspondent

બીજેપીના રાજકારણીના ભત્રીજાની બળાત્કારના આરોપસર ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદરમાં બીજેપીના એક ભૂતપૂર્વ નગરસેવક અને ભૂતપૂર્વ વિધાનસભ્યના પીએ તથા પાલિકાના સભાપતિના ૧૯ વર્ષના ભત્રીજાની ભાઈંદરના નવઘર પોલીસે ગઈ કાલે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપીએ સગીરાને પ્રેગ્નન્ટ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આરોપીના મિત્રની પણ ધરપકડ કરી હતી.

ભાઈંદર-ઈસ્ટમાં નવઘર રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની એક કિશોરીએ નવઘર પોલીસ-સ્ટેશનમાં ગુરુવારે બીજેપીના ભૂતપૂર્વ સ્થાનિક નગરસેવક પ્રશાંત કેળુસકરના ૧૯ વર્ષના ભત્રીજા યશ શૈલેશ કેળુસકર વિરુદ્ધ બળાત્કાર કરીને પોતાને પ્રેગ્નન્ટ બનાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

નવઘર પોલીસે આરોપી યશ કેળુસકર સામે પોસ્કો અંતર્ગત ગુનો નોંધીને ગઈ કાલે તેની ધરપકડ કરી હતી. કહેવાય છે કે સગીરા પોલીસ-ફરિયાદ ન નોંધાવે એ માટે બીજેપીના ભૂતપૂર્વ નગરસેવકથી માંડીને અહીંના કેટલાક મોટા નેતાઓ દ્વારા પ્રયાસ થયા હતા, પરંતુ સગીરાનો પરિવાર એ માટે મક્કમ રહ્યો હતો.

પોલીસે જણાવ્યું કે ફરિયાદી સગીરા અને આરોપી યશ કેળુસકર એક જ વિસ્તારમાં રહે છે. ગયા વર્ષે નવરાત્રિમાં બંનેની મિત્રતા થયા બાદ તેઓ એકમેકના પ્રેમમાં પડ્યા હતા. એક દિવસ આરોપી પોતાના મિત્રની સાથે સગીરાને કારમાં એક એકાંત સ્થળે લઈ ગયો હતો. અહીં તેણે સગીરા પર કથિત બળાત્કાર કર્યો હતો. પ્રેગ્નન્ટ બન્યા બાદ કિશોરીએ આરોપીને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પણ તેણે નકારતાં કિશોરીએ ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપી યશના કાકા અને બીજેપીના ભૂતપૂર્વ નગરસેવક પ્રશાંત કેળુસકર અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સામે બે દિવસ પહેલાં જમીન હડપવાનો કેસ નોંધાયો હતો.

નવઘરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંપતરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સગીરા સાથે તેની મરજી વિના શારીરિક સંબંધ બાંધીને પ્રેગ્નન્ટ કરવાના આરોપસર અમે યશ શૈલેશ કેળુસકર નામે પોસ્કોની કલમ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. આ મામલે આગળની પૂછપરછ ચાલી રહી છે.’

mumbai mumbai news bhayander Crime News mumbai crime news bharatiya janata party