કાંદિવલીમાં નવો રાખેલો કારીગર જ્વેલરનું ૨૦.૫ લાખ રૂપિયાનું સોનું લઈને ભાગી ગયો

14 February, 2026 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ચોરી ૯ ફેબ્રુઆરીએ થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-વેસ્ટમાં મહાત્મા ગાંધી રોડ પર એસ. એસ. ગોલ્ડ પૉલિશિંગ ઍન્ડ ડિઝાઇનિંગની શૉપમાં નવો રાખેલો કારીગર નોકરીના થોડા જ દિવસમાં ૨૦.૫ લાખ રૂપિયાના સોનાના દાગીના લઈને નાસી ગયો હતો. કાંદિવલી પોલીસે તેના બે સાગરીતને ઝડપી લીધા છે, પણ મુખ્ય આરોપી અને અન્ય બે જણની શોધ ચાલી રહી છે.  

કાંદિવલી પોલીસે કહ્યું હતું કે ‘આરોપી પહેલાં વસઈના ચાંદીના દાગીના બનાવવાના કારખાનામાં કામ કરતો હતો. જોકે ચાંદીના ભાવમાં વધારા બાદ કામ મળવાનું ઓછું થઈ જવાથી આરોપીએ બીજી નોકરી શોધી હતી. આ ગુનો આર્થિક તંગીને કારણે કર્યો હોઈ શકે એવી ધારણા છે.’

આ ચોરી ૯ ફેબ્રુઆરીએ થઈ હતી. ચોરીની ફરિયાદ સફીકુલ ઇસ્લામ હબીબુર રહમાન મંડલ દ્વારા દાખલ કરવામાં આવી હતી જે એમ. જી. રોડ પર એસ. એસ. ગોલ્ડ પૉલિશિંગ અને ડિઝાઇનિંગ નામની શૉપ ચલાવે છે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં શંકાસ્પદ આરોપી અસલમ દાગીના લઈને દુકાનમાંથી બહાર ભાગતો દેખાય છે. આ કેસમાં તેની સાથે રહેતા તેના બે સાગરીત અજીફર મુજીદ શેખ અને અસાહિસ શેખને હૈદરાબાદથી પકડી લેવાયા છે. જોકે અસલમ અને અન્ય બે આરોપીઓની શોધ ચાલી રહી છે. 

શું ચોરાયું?

સોનાની ૯ બંગડીઓ - ૧૦૪ ગ્રામ 
સોનાની વીંટીઓ ૩૩ ગ્રામ 
કુલ કિંમત ૨૦.૫ લાખ રૂપિયા

kandivli Crime News mumbai crime news mumbai police mumbai news mumbai