મુલુંડના ગુજરાતીએ રંગેહાથ પકડ્યો મોબાઇલચોરને

05 November, 2020 07:22 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુલુંડના ગુજરાતીએ રંગેહાથ પકડ્યો મોબાઇલચોરને

મોબાઇલચોરને પકડનાર મનીષ પારવાની

મુલુંડમાં ચોરીના બનાવ દિવસે-દિવસે વધતા સામે આવી રહ્યા છે ત્યારે મુલુંડ-વેસ્ટમાં માર્કેટ, મુલુંડ ચેકનાકા, વૈશાલી નગર, વિણા નગર, મુલુંડ લિન્ક રોડ જેવા વિસ્તારમાંથી છેલ્લા એક અઠવાડિયામાં ૨૦ કરતાં વધુ મોબાઇલ ચોરીની ઘટના બની હતી. એ સાથે ગઈ કાલે એક જ દિવસમાં પાંચ મોબાઇલ ચોરીની ઘટના સામે આવી હતી ત્યારે મુલુંડમાં રહેતા મનીષ પારવાની માર્કેટમાંથી પસાર થતા હતા ત્યારે તેમણે એક ૧૫ વર્ષના મોબાઇલચોરને પકડ્યો હતો અને મુલુંડ પોલીસને સોંપ્યો હતો.

મોબાઇલચોરને પકડી પોલીસ સ્ટેશન લઈ જનાર મનીષ પારવાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા મોબાઇલની ચોરી પણ કાલે થઈ હતી. હું મારો મોબાઇલ ગોતી રહ્યો હતો ત્યારે મારી નજર ટીનેજર પર પડી હતી જે બીજાના ખિસ્સામાંથી મોબાઇલ કાઢી રહ્યો હતો.ત્યારે મેં તેને પકડી પોલીસને સોંપ્યો હતો. તેની પાસેથી અન્ય એક ચોરીનો મોબાઇલ પણ મળી આવ્યો હતો.’

બુધવારે ચોરી થયેલા મોબાઇલમાં અનિલ કુમાર, મનીષ પારવાની, રાજુ સોમ્યા, શિવ કુમાર, રેનુકા ગોવન્ડર આ પાંચ લોકોના મોબાઇલ ચોરીની ઘટના એક દિવસમાં બની હતી.

મુલુંડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર રમેશ ઢસાણેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ધરપકડ કરેલા આરોપીની તપાસ ચાલુ છે. સાથે તમામની ફરિયાદ નોધી તપાસ હાથ ધરાઈ છે. સીસીટીવી ફુટેજના આધારે હાલમાં તપાસ ચાલુ કરાઈ છે.’

mumbai mumbai news Crime News mumbai crime news mulund