દીકરીના વૉટ્સઍપ પરથી મમ્મીએ ડ્રગ-ડીલરને પકડાવ્યો

12 December, 2014 06:02 AM IST  | 

દીકરીના વૉટ્સઍપ પરથી મમ્મીએ ડ્રગ-ડીલરને પકડાવ્યો



વૉટ્સઍપ અને ફેસબુક દ્વારા સ્ટુડન્ટ્સનો સંપર્ક કરીને તેમને કૅફી ડ્રગ્સના રવાડે ચડાવનારી વ્યક્તિને ૧૬ વર્ષની એક છોકરીની મમ્મીએ મહિલા વિકાસ સમિતિ નામના એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ના કાર્યકરની મદદથી પકડાવી હતી. છોકરીની મમ્મીએ દીકરીના મોબાઇલ ફોનમાં વૉટ્સઍપ પર મેસેજ વાંચ્યો તે ડ્રગ્સની હેરાફેરી કરતી વ્યક્તિ સાથેનો હતો. મમ્મીની સૂચનાથી દીકરીએ તેની પાસે ડ્રગ્સ લેવાનું કહીને તેને કૉલેજની બહાર બોલાવ્યો હતો અને મમ્મીએ મહિલા વિકાસ સમિતિની મદદ લઈને દીકરીનો પીછો કરીને તે વ્યક્તિ સુનીલ શર્માની ધરપકડ કરાવી હતી. મુંબઈમાં ઍક્ટિંગના ક્ષેત્રે સ્ટ્રગલ કરતા સુનીલ શર્મા પાસેથી મેફેડ્રોન ડ્રગનાં ૧૮ પૅકેટ્સ જપ્ત કર્યાં હતાં.

પોલીસે આપેલી માહિતી મુજબ ફરિયાદીની ૧૬ વર્ષની દીકરી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક દ્વારા પેલા ડ્રગ વેચનારાના સંપર્કમાં આવી હતી. ફેસબુક પર એકબીજાના ફોનનંબર્સ લીધા પછી વૉટ્સઍપ પર સંવાદ શરૂ થયો હતો. મોટા ભાગે સ્ટુડન્ટ્સને ડ્રગ્સ વેચવાના આ રૅકેટના માસ્ટરમાઇન્ડ અને મુખ્ય આરોપીની શોધ ચાલે છે. કોઈ સ્ટુડન્ટ આ કૌભાંડનો સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે. તે જ વૉટ્સઍપ અને ફેસબુક પર બીજા સ્ટુડન્ટ્સનો સંપર્ક કરીને તેમને આ ડ્રગ તરફ આકર્ષતો હતો. આ કેસ ઉકેલવામાં મદદ કરનારાં મહિલા વિકાસ સમિતિનાં કાર્યકર નિદા રાશિદે જણાવ્યું હતું કે ‘આરોપી સ્ટુડન્ટસને મોટી સેલિબ્રિટીઝ ડ્રગ લેતી હોય એવા ફોટોગ્રાફ્સ સ્ટુડન્ટ્સને બતાવતો હતો અને એ ડ્રગ લેવું એ સ્ટેટસ સિમ્બૉલ હોવાનું કહેતો હતો. આ પ્યૉર રશિયન ડ્રગ મોટા-મોટા માણસો લેતા હોવાની ભૂરકી સ્ટુડન્ટ્સ પર છાંટતો હતો.’

આ ઘટના વિશે તે છોકરીએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું મારા મિત્રો દ્વારા એ વ્યક્તિના સંપર્કમાં આવી. અમે કૉલેજ-ફેસ્ટિવલમાં ડ્રગ લેવાનું નક્કી કર્યું હતું. એથી ડ્રગ તેની પાસેથી મેળવવાના પ્રયાસ માટે મેં તેને ડ્રગ મેળવવા માટે અંધેરી (વેસ્ટ)માં કૉલેજની બહાર બોલાવ્યો હતો.’પુરા બનાવ બાબતે કાર્યકર નિદા રાશિદે કહ્યું હતું કે ‘અમે અનેક સ્ટુડન્ટ્સને ટાર્ગેટ કરતી એ ટોળકીને પકડવા માટે તૈયારી કરી. મેં છોકરીની મમ્મીને કબાટમાં એક લાખ રૂપિયા મૂકીને દરવાજો ખુલ્લો રાખો અને ઘરની બહાર નીકળી જવા કહ્યું અને ધાર્યા પ્રમાણે દીકરીએ બપોરે એ રકમ ઉપાડી લીધી અને સાંજે કૉલેજ-ફેસ્ટિવલમાં જવા નીકળી ગઈ. છેલ્લે સુધી મેં એ છોકરીનો બરાબર પીછો કર્યો.’છોકરી ડ્રગ પેડલરને મળવા માટે કૉલેજ-ફેસ્ટિવલમાંથી નીકળીને મેટ્રોના આઝાદ નગર સ્ટેશન પાસે આવી એ વખતે નિદા રાશિદે તે ડ્રગ-પેડલરને રંગેહાથ પકડી લીધો.

વૉટ્સઍપ પર સંવાદ કેવો હતો?

છોકરીએ પોતાના માટે અને તેની બે ફ્રેન્ડ્સ માટે ડ્રગ જોઈએ છે એમ કહ્યું ત્યારે પેલા પેડલરે તેને આખા કન્સાઇનમેન્ટના એક લાખ રૂપિયા થતા હોવાનું કહ્યું. છોકરીએ એટલા પૈસા નહીં હોવાનો જવાબ આપ્યો. તેણે છોકરીની બન્ને ફ્રેન્ડ્સના ફોટોગ્રાફ્સ માગ્યા. એ પછી પેડલરે કહ્યું કે મારી સાથે એક રાત વિતાવશો તો તમારી ડ્રગ્સની કિંમત ચૂકવાઈ જશે. ફરી રાતે વૉટ્સઍપ પર પેડલરે છોકરીને કહ્યું કે ડ્રગ્સ માટે પૈસા તો આપવા પડશે.

કેવી રીતે સ્ટુડન્ટ્સને ફસાવતો હતો?

સ્ટુડન્ટ્સને આ રૅકેટમાં ફસાવવાની મોડસ ઑપરૅન્ડી વિશે રાશિદે જણાવ્યું કે ‘તે ફેસબુક પર જે સ્ટુડન્ટ્સ પાર્ટીના ફોટોગ્રાફ્સ વધારે મૂકતા હોય તેમને તે ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ મોકલતો હતો. એમાં થોડા દિવસ ચૅટિંગ કરીને ફોનનંબર્સ મેળવતો હતો. એ પછી વૉટ્સઍપ પર ચૅટિંગ કરીને આગળ વધતો હતો. તે કહેતો કે ડ્રગ ભરપૂર એનર્જી આપે છે અને આપણને જુદી જ દુનિયામાં લઈ જાય છે. હકીકતમાં એ સૌથી ઘાતક ડ્રગ છે. એ લેવાની શરૂઆત કર્યા પછી એકાદ વર્ષમાં લેનાર જીવ ગુમાવે છે. મુંબઈમાં આવા કેટલાક કેસ બની ચૂક્યા છે.’