28 December, 2023 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોટેલના વૅલે પાર્કિંગનો આરોપી ડ્રાઇવર રમેશ શિંદે
હોટેલોમાં વૅલે પાર્કિંગની વ્યવસ્થા હોય છે એમાં કાર પાર્ક કરવા માટે અજાણ્યા ડ્રાઇવરને કારની ચાવી સોંપતાં પહેલાં કારમાં રાખેલી વસ્તુઓ ચકાસી લેજો. શક્ય છે કે કાર પાર્કિંગમાંથી પાછી લાવવામાં આવે ત્યારે તમારો કોઈ સામાન ગાયબ થઈ ગયો હોય. કિંગ્સ સર્કલમાં રહેતા ગુજરાતી વેપારીની કાર બોરીવલીમાં આવેલી ફ્યુઝન કિચન હોટેલના વૅલે પાર્કિંગમાં હતી ત્યારે એમાંથી બે તોલા સોનાના દાગીના ચોરી થવાની ઘટના બની હતી. પોલીસે તપાસ કરીને કાર પાર્ક કરનારા ડ્રાઇવરની ધરપકડ કરીને દાગીના પાછા મેળવ્યા હતા.
બોરીવલીની એમએચબી પોલીસના જણાવ્યા મુજબ કિંગ્સ સર્કલમાં રહેતા ૩૪ વર્ષના વેપારી દર્શિલ ડોડિયા ૧૭ ડિસેમ્બરે બોરીવલી (વેસ્ટ)માં આઇ. સી. કૉલોની, હોલી ક્રૉસ રોડ પર આવેલી ફ્યુઝન કિચન હોટેલમાં ગયા ત્યારે તેમણે તેમની ઇનોવા કાર વૅલે પાર્કિંગમાં પાર્ક કરવા માટે એની ચાવી ડ્રાઇવરને આપી હતી.
દર્શિલ ડોડિયા હોટેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમની કાર વૅલે પાર્કિંગમાંથી લાવવામાં આવી ત્યારે કારની પાછળની સીટમાં રાખેલી બૅગમાંથી ૨૦ ગ્રામ સોનાના દાગીના ગાયબ હોવાનું જણાતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. તેમણે ચોરી થવાની ફરિયાદ એમએચબી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદ લીધા બાદ ફ્યુઝન હોટેલ અને આસપાસના સીસીટીવી કૅમેરા તપાસતાં કાર પાર્ક કરનારા ૩૩ વર્ષના ડ્રાઇવર રમેશ શિંદેએ જ ચોરી કરી હોવાનું જણાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
એમએચબી પોલીસની તપાસમાં જણાયું હતું કે આરોપી રમેશ શિંદેએ ફરિયાદી દર્શિલ ડોડિયાની કાર હોટેલની નજીક પાર્ક કરી હતી. થોડી વાર બાદ તે ફરી કારમાં બેઠો હતો અને થોડે દૂર બીજી જગ્યાએ કાર પાર્ક કરી હતી. એક જ કારને બે વખત પાર્ક કરવાની જરૂર ન હોવા છતાં તેણે કાર બીજી જગ્યાએ પાર્ક કરી હતી. આથી ડ્રાઇવર પર જ શંકા જતાં તેને તાબામાં લઈને પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પણ જગ્યાએ વૅલે પાર્કિંગમાં અજાણ્યા ડ્રાઇવરને કાર સોંપતાં પહેલાં કીમતી સામાન કારમાં રાખ્યો હોય તો સાવધ રહેવું જોઈએ. કાર પાર્ક કરનારા ડ્રાઇવરની નજર પડે એવી રીતે સામાન મૂકવામાં આવ્યો હશે તો તેની નીયત ખરાબ થઈ શકે છે. ફ્યુઝન કિચન હોટેલના વૅલે પાર્કિંગમાં આવી જ ઘટના બની હતી. ફરિયાદી દર્શિલ ડોડિયાની કારની પાછળની સીટમાં એક બૅગની અંદર સોનાના દાગીના હોવાનું જાણ્યા બાદ આરોપી રમેશ શિંદેની નીયત ખરાબ થઈ હતી અને તેણે ચોરી કરી હતી. અમે તેની ચોરી કરવાના આરોપસર ધરપકડ કરીને ચોરાયેલા દાગીના જપ્ત કર્યા છે.’