મલાડ પોલીસે શરાબ વેચતા બે જણની ધરપકડ કરી

30 April, 2020 07:36 AM IST  |  Mumbai | Samiullah Khan

મલાડ પોલીસે શરાબ વેચતા બે જણની ધરપકડ કરી

સંભવિત ગ્રાહકોને વૉટ્સએપ સંદેશ મોકલાયો છે

મલાડ પોલીસે મંગળવારે ઊંચા ભાવે શરાબ વેચીને લોકોને ઘરે ડિલિવરી આપતી બે વ્યક્તિની ધરપકડ કરી હતી. સાંતાક્રુઝ અને કાંદિવલીના રહેવાસીઓ પાસે શરાબનો સંગ્રહિત જથ્થો હતો જે માટેના ઓર્ડર વૉટ્સએપથી મેળવવામાં આવતા હતા. બન્ને જણા પાસેથી પોલીસે ૧.૩૫ લાખની કિંમતનો શરાબ જપ્ત કર્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ તેમના પરિચિતોને શરાબની બ્રૅન્ડ અને તેની કિંમતની વિગતો વૉટ્સએપ પર મોકલતા હતા. આ મેસેજ વાઇરલ થતાં મલાડ પોલીસને તેની જાણ થઈ હતી.

મલાડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અમને આ વિશે જાણકારી મળતાં જ અમે ૨૮ વર્ષના કૌશલ માશરોના વોટ્સએપ નંબર પર ઓર્ડર મૂકી છટકું ગોઠવ્યું હતું. જ્યારે તે કાંદિવલીમાં ડિલિવરી આપવા આવ્યો ત્યારે અમે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્યાન માશરોએ તેના ૨૮ વર્ષના સાથીદાર અક્ષય પરિહાનીની વિગતો અમને જણાવતાં પોલીસની બીજી ટુકડીએ સાંતાક્રુઝના તેના ઘરે પહોંચી તેની ધરપકડ કરી તેની પાસેના શરાબના જથ્થાને જપ્ત કર્યો હતો. વધુ પૂછપરછ કરાતાં તેમણે જણાવ્યું હતું કે પૈસાની જરૂર હોવાથી તેમણે શરાબનો બધો જથ્થો વેચી કાઢવાનો નિર્ણય કર્યો હતો. બન્ને આરોપીઓને ગઈ કાલે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા જ્યાં તેમને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

samiullah khan malad mumbai news mumbai crime news Crime News coronavirus