મુંબઈ: કોવિડ સેન્ટરોમાં વધી ચોરીની ઘટનાઓ

12 September, 2020 02:12 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: કોવિડ સેન્ટરોમાં વધી ચોરીની ઘટનાઓ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની આ મહામારી વચ્ચે બેકારી વધી છે. જેમાં અનેક પ્રકારની ચોરીઓ સાથે મુંબઈ-થાણેમાં ક્રાઇમ રેશિયો પણ વધ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં મુંબઈના દહિસર અને કલ્યાણ વિસ્તારમાં આવેલાં કોવિડ સેન્ટરોમાંથી ચોરીની ઘટનાઓ સામે આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક ઘટનામાં કલ્યાણમાં ૩૪ વર્ષીય મહિલાની ૬ તોલાની ચેન અને ૪ હજાર રોકડની ચોરી થઈ હતી જ્યારે બીજી દહિસરની ઘટનામાં ૭૫ વર્ષીય મહિલાના મૃત્યુ બાદ તેણે પહેરેલા દાગીના કોઈએ કાઢી લીધા હતા.

ડોમ્બિવલી વિસ્તારમાં રહેતી એક મહિલા અને તેનાં બે બાળકો કલ્યાણના રાજોલી નાકામાં આવેલા કોવિડ સેન્ટરમાં ઇલાજ લઇ રહ્યાં હતાં. મહિલાને બે બાળકો હોવાથી તેઓને સેન્ટરમાં એક રૂમ આપવામાં આવ્યો હતો. જ્યાં તેઓ સવારના સ્નાન કરવા ગઈ હતી ત્યારે તેના આપેલા રૂમમાં રાખેલી ચેન અને ૪૦૦૦ રોકડની ચોરી થઈ હતી, જેની ફરિયાદ તેણે પોલીસને કરી હતી. હાલમાં તેનું સ્ટેટમેન્ટ પોલીસે ફોન દ્વારા નોંધી તપાસ હાથ ધરી છે.

દહિસર ઈસ્ટમાં શૈલેન્દ્રનગર વિસ્તારમાં રહેતાં સુલોચના ગીરીકર (૭૫)ને કોરોનાના ઇલાજ માટે કાંદરપાડા વિસ્તારમાં એડ્મિટ કર્યાં હતાં પણ ૪ દિવસના ઇલાજ બાદ તેમનું મૃત્યુ થયું હતું. મૃતદેહ તેના પરિવારને ન સોંપતા તેનો અંતિમ સંસ્કાર પાલિકાના અધિકારીઓએ કર્યો હતો. તેના પુત્રએ એસએચબી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી માતાએ દાગીના પહેર્યા હતા તે અમને મળ્યા નથી. પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

mumbai news dahisar kalyan covid19 coronavirus Crime News mumbai crime news