કેવાયસીના બોગસ મેસેજથી ગુજરાતી બિઝનેસમૅને 40000 રૂપિયા ગુમાવ્યા

04 August, 2020 07:32 AM IST  |  Mumbai | Mumbai correspondent

કેવાયસીના બોગસ મેસેજથી ગુજરાતી બિઝનેસમૅને 40000 રૂપિયા ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર

વિલે પાર્લે વેસ્ટમાં બાપુભાઈ વશી રોડ પર રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા તુષાર મહેતાને સાઇબર ફ્રોડનો વરવો અનુભવ થયો હતો. તેમણે ગણતરીની મિનિટોમાં ૪૦,૦૦૦ રૂપિયા ગુમાવ્યા હતા. પેટીએમ કેવાયસી અપડેટ કરવા માટેના આવેલા મેસેજમાં ફસાઈને તેમણે આ રકમ ગુમાવી હોવાનું જાણવા મળ્યું હતું. જુહુ પોલીસે આ બાબતે ફરિયાદ નોંધીને અજાણ્યા આરોપી સામે તપાસ હાથ ધરી છે.

ફરિયાદી તુષાર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ ઘટના ૨૧ જુલાઈના બપોરે પોણા બે વાગ્યે બની હતી. મને મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે તમારું પેટીએમ કેવાયસી પૂરું થઈ ગયું છે. એથી કસ્ટમર કૅરના અહીં આપેલા નંબર પર ફોન કરી તુરંત વિગતો આપો નહીં તો ૨૪ કલાકમાં તમારું પેટીએમ અકાઉન્ટ બ્લૉક થઈ જશે. આથી મેં ફોન કર્યો હતો ત્યારે સામેવાળી વ્યક્તિ કે જેણે પોતાનું નામ શર્મા કહ્યું હતું. તેણે બીજા નંબરથી એક લિન્ક મોકલાવી હતી અને એ લિન્ક દબાવ્યા બાદ જે રીતે ઇન્સ્ટ્રંકશન આવતી હતી એ મુજબ વિગતો ભરતો હતો જેમાં તેણે મારા એક્સિસ બૅન્કના ડેબિટ કાર્ડની ડિટેઇલ પણ માગી હતી અને એ વખતે આવેલ ઓટીપી પણ માગ્યો હતો. એ આપ્યા પછી મારા અકાઉન્ટમાંથી ૧૯,૮૬૫ રૂપિયા ડેબિટ થઈ ગયા હતા. મને એની જાણ કરતો મેસેજ બૅન્ક તરફથી આવ્યો હતો. ત્યાર બાદ એ ગઠિયાઓએ મારા કાર્ડ પરથી એમૅઝોન પરથી ૩૦,૦૦૦ની ખરીદી કરવાની કોશિશ કરી હતી પણ એ ટ્રાન્ઝેકશન વખતે ફોન કટ થઈ જતા એ ન થયું અને એ રકમ બચી ગઈ. ફરી શર્માને ફોન કર્યો અને કહ્યું કે તમે મારી સાથે ચીટિંગ કરી રહ્યા છો, મારા અકાઉન્ટમાંથી ૧૯,૮૬૫ રૂપિયા ડેબિટ થઈ ગયા છે. તો તેણે કહ્યું અમારે ત્યાં થોડો પ્રોબ્લેમ થયો છે. હું તમને તમારી એ રકમ પાછી મોકલી રહ્યો છું તમે એ લિન્ક પર રિફંડ અમાઉન્ટનો મેસેજ મોકલી ક્લિક કરો. એથી મેં એમ કરતાં મારા અકાઉન્ટમાંથી બીજા ૨૦,૧૪૭.૯૮ રૂપિયા કટ થઈ ગયા હતા એથી હું ગભરાઈ ગયો હતો. ત્યાર બાદ ફોન કટ થઈ ગયો હતો. મેં મારી પત્નીના કહેવાથી પહેલા તો કાર્ડ બ્લૉક કરાવ્યું હતું. ત્યાર બાદ બૅન્કમાં જઈ એ અકાઉન્ટની રક્મ બીજે ટ્રાન્સફર કરી નાખી હતી અને એ પછી પોલીસ ફરિયાદ કરી હતી.

જુહુ પોલીસનું કહેવું છે કે આવા કેસમાં તપાસમાં ટાઇમ લાગતો હોય છે. અમે કોશિશ કરીશું કે ત્રણ મહિનામાં ફરિયાદીને રકમ પાછી મળી જાય.

mumbai mumbai news crime branch Crime News vile parle mumbai crime news