02 November, 2023 07:40 AM IST | Mumbai | Rohit Parikh
માટુંગાના ઘરમાં ચોરી કરતી મહિલાઓનો સીસીટીવી કૅમેરામાંથી લેવાયેલો ગ્રૅબ
માટુંગા (સેન્ટ્રલ)માં નાની છોકરીઓ સાથેની એક મહિલા ગૅન્ગ ખાવાનું અને પીવાનું પાણી માગવાના બહાને ઘરમાં અને ઑફિસમાં ઘૂસીને ચોરી કરતી હોવાના વિડિયો વાઇરલ થયા પછી માટુંગાના એકલા રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. માટુંગાની ભારતીય જનતા પાર્ટીનાં ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહ અને માટુંગા પોલીસે આ મહિલા ગૅન્ગથી સાવધાન રહેવાની માટુંગાના રહેવાસીઓને અપીલ કરતાં કહ્યું છે કે માટુંગામાં ત્રણ મહિલાઓ અને એક છોકરીની ગૅન્ગ સક્રિય બની છે જે દિવસના સમયે ઘરમાં ઘૂસીને ચોરી કરે છે. આથી તમે પૂરી જાણકારી વગર તમારા દરવાજા ખુલ્લા ન રાખો અને કોઈ અજાણી મહિલાઓ આવે તો દરવાજો કે સેફ્ટી ડોર ખોલો નહીં. આવી કોઈ મહિલાઓ તમારા મકાનમાં કે ઘરમાં ઘૂસે તો આ બાબતની માટુંગા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરો. માટુંગા પોલીસ કહે છે કે આજ દિન સુધી કોઈ રહેવાસી તેમના ઘરમાં થયેલી ચોરીની ફરિયાદ કરવા આગળ આવ્યા નથી. તેઓ ફક્ત તેમના મકાનમાં ઘૂસેલી આ મહિલાઓનાં કરતૂતોના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરે છે. આમ છતાં અમે આ વિડિયોના આધારે અત્યારે દિવસના સમયમાં પૅટ્રોલિંગ શરૂ કરી દીધું છે.
અત્યાર સુધીમાં આઠથી દસ મકાનોમાં આ મહિલાઓએ ઘરમાં ઘૂસીને હાથસફાઈ કરી છે. એ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીનાં ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા બે દિવસમાં આ મહિલાઓ હિન્દુ કૉલોનીમાં મોબાઇલ, પેન, જ્વેલરી જેવી નાની-મોટી ચોરી કરી ચૂકી છે. મંગળવારે આ મહિલાઓ દેવધર રોડ પર આવેલા કરુણા સાગર બિલ્ડિંગમાં, આર. એ. કિડવાઈ રોડ પર આવેલા કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં પાણી પીવા અને ખાવાનું માગવાના બહાને ગઈ હતી અને દરવાજો ખૂલતાં જ ઘરમાં હાથસફાઈ કરવા ઘૂસી ગઈ હતી. જોકે રહેવાસીઓએ બૂમાબૂમ કરતાં આ મહિલાઓ ત્યાંથી ભાગી ગઈ હતી પરંતુ આ મહિલાઓ ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આથી ત્યાંના રહેવાસીઓએ અન્ય રહેવાસીઓને ચેતવવા સીસીટીવીના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યા હતા. મેં લોકોને આ મહિલાઓથી સાવધ રહેવા માટેની અપીલ કરી છે. તેમ જ આવા બનાવોની પોલીસમાં ફરિયાદ કરવા પણ જણાવ્યું છે.’
માટુંગાના એક મકાનની ઑફિસનો દરવાજો ખુલ્લો હોવાથી આ મહિલાઓની ગૅન્ગ કેવી રીતે એક સિનિયર સિટિઝનને ઑફિસમાં દોડાવીને હાથસફાઈ કરે છે એનો વિડિયો સામે આવ્યો છે, જેમાં ઑફિસનો દરવાજો ખુલ્લો જોઈને આ ગૅન્ગની એક છોકરી ઑફિસમાં ઘૂસે છે. ત્યાર પછી પહેલાં આજુબાજુ ચેક કરે છે. પછી સિનિયર સિટિઝન એકલા છે એ જોઈને આખી મહિલાઓની ગૅન્ગ ઑફિસમાં ઘૂસી જાય છે. આ મહિલાઓ સિનિયર સિટિઝનની સામે જ ઑફિસમાંથી નાની-મોટી વસ્તુઓ ચોરવા હાથ અજમાવે છે. ઑફિસના બધાં કબાટનાં ખાનાંઓ બિન્દાસ ચેક કરે છે. એક મહિલા ઑફિસના બીજા ભાગમાં ઘૂસે છે. સિનિયર સિટિઝન આ મહિલાની પાછળ જાય છે તો બાકીની છોકરી સહિતની મહિલાઓ આખી ઑફિસ ફેંદી મારે છે અને ચોરી કરીને સિનિયર સિટિઝનને હંફાવીને જતી રહે છે. આખરે સિનિયર સિટિઝન હતાશ થઈ જાય છે.
ગઈ કાલે માટુંગાના દેવધર રોડ પર આવેલી ડેઝી નિવાસમાં બનેલા બનાવની માહિતી આપતાં એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે મારી બાજુના બિલ્ડિંગમાં પાંચ મહિલાઓ ઘૂસી હતી. તેમણે આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એકલી રહેતી સિનિયર સિટિઝન મહારાષ્ટ્રિયન મહિલા પાસે પાણી માગ્યું હતું. આ મહિલા માનવતાની દૃષ્ટિથી તેના ઘરનો પાછલો દરવાજો ખોલીને એક મહિલાને પાણી પીવડાવી રહ્યાં હતાં ત્યારે બીજી ચાર મહિલાઓ તેના ઘરની બારીઓમાં ચડીને ઘરમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી. નસીબજોગે મારી નજર પડતાં મેં તરત જ બૂમાબૂમ કરી મૂકી દીધી હતી. એ સાથે જ બારીઓ પર ચડેલી મહિલાઓ કૂદી પડી હતી. મેં તેમને પોલીસને બોલાવવાની ધમકી પણ આપી હતી પરંતુ આ મહિલાઓ પર એની કોઈ જ અસર થઈ નહોતી. આખરે મારે તેમના પર હાથ ઉગામવો પડ્યો હતો. એટલે તેઓ મને શ્રાપ આપીને શાંતિથી કોઈ પણ જાતના ભય વગર જતી રહી હતી. આ પહેલાં તેઓ મારા બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા. જોકે બૂમાબૂમ કરતાં તેઓ મારા બિલ્ડિંગમાંથી જતા રહ્યા હતા. અન્ય લોકો આનાથી સાવધાન રહે એ માટે આખી ઘટનાને મેં સોશ્યલ મીડિયા પર વાઇરલ કરીને કહ્યું છે કે આ મહિલાઓનો તમે શિકાર ન બનો એના માટે તમારા સેફ્ટી ડોરને પૂરતી તપાસ કર્યા વગર ખોલો નહીં અને દિવસના સમયે તમારા દરવાજા ખુલ્લા ન રાખો.`
અમને હજી સુધી કોઈ જ ફરિયાદ મળી નથી એમ જણાવતાં માટુંગા સિનિયર ઇન્સ્પેક્ટર દીપક ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ શંકાસ્પદ મહિલાઓ મકાનમાં કે ઘરમાં ઘૂસી રહી છે એવા અનેક વિડિયો અમને મળ્યા છે પણ હજી સુધી અમને એક પણ રહેવાસી તરફથી ઑફિશ્યલ ફરિયાદ મળી નથી. લોકો તેમના ઘરમાં નાની-મોટી ચોરી થઈ હોવાથી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાથી દૂર રહે છે. આમ છતાં અમે અમારા વિસ્તારમાં આ મહિલાઓને પકડવા માટે દિવસના સમયે પૅટ્રોલિંગ શરૂ કરી દીધું છે, પણ અમારા હાથમાં હજી સુધી કોઈ આવ્યું નથી.’