મુંબઈ: જ્વેલરી શૉપમાં ચોરી કરવા બદલ ચાર મહિલાની ધરપકડ

08 October, 2020 11:43 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: જ્વેલરી શૉપમાં ચોરી કરવા બદલ ચાર મહિલાની ધરપકડ

ગોલ્ડ

ભાયખલા પોલીસે બુરખો પહેરીને જ્વેલરીની દુકાનોમાં ચોરીને અંજામ આપતી ચાર મહિલાઓની બે દિવસ પહેલાં ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ભાયખલામાં આવેલી એક જ્વેલરી શૉપમાં અઢી લાખ રૂપિયાના દાગીના લઈને આ મહિલાઓ પલાયન થઈ ગઈ હતી. દુકાનદારે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ કરીને પોલીસે ચારેચાર મહિલાની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યા અનુસાર પાંચમી સપ્ટેમ્બરે બુરખા પહેરેલી ચાર મહિલાઓ ભાયખલામાં આવેલી શિવમ જ્વેલરી શૉપમાં સોનાનાં ઘરેણાં ખરીદવા ગઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે આ ત્રણેય મહિલાઓએ ઘરેણાં જોતાં-જોતાં દુકાનદારને વાતોમાં ભોળવી લીધો હતો. જ્યારે દુકાનમાલિક નીલેશ જૈન મહિલાઓ સાથે વાત કરવામાં વ્યસ્ત હતો ત્યારે મહિલાઓએ અઢી લાખ રૂપિયાની સોનાની બંગડીઓ સેરવી લીધી હતી. દુકાનમાલિકને સીસીટીવી કૅમેરા ચકાસતાં ચોરીનો ખ્યાલ આવતાં તેમણે ભાયખલા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાયખલા પોલીસ સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે અમારી તપાસમાં એક આરોપી મહિલાનો અમને નંબર મળ્યો હતો. અમારા ખબરી પાસેથી મળેલી માહિતીના આધારે અમને જાણ થઈ હતી કે માલેગાંવમાં રહેતી ચારેય આરોપી મહિલાઓ મુંબઈ આવી રહી છે. અમે નાશિકથી મુંબઈ આવતાં તમામ ટોલનાકાં પર છટકું ગોઠવી તેમની મુલુંડના ટોલનાકા પર ધરપકડ કરી હતી. મહિલાઓ કારમાં મુંબઈ તરફ આવતી ઝડપાઈ ગઈ હતી. સઈદા ઉર્ફે અનુ બશીર અન્સારી, નાઝિયા ઇઝરાયલ શેખ, નસીમ બશીર શેખ અને નસીન અઝહરુદ્દીન ખાન નામની ચારેય મહિલાઓ માલેગાંવની રહેવાસી હોવાનું તપાસમાં જણાયું હતું.
ભાયખલા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિનેશ કદમે જણાવ્યું હતું કે આ તમામને ચોરી, છેતરપિંડી સાથેની આઇપીસીની વિવિધ કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપી મહિલા સામે મુંબઈ ઉપરાંત નાશિક સહિતનાં કેટલાંક પોલીસ-સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

mumbai mumbai news Crime News mumbai crime news byculla