ઇન્શ્યૉરન્સ પૉલિસીની બાકીની રકમ કઢાવી અપાવવા 3.88 લાખ પડાવ્યા

04 November, 2020 08:08 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ઇન્શ્યૉરન્સ પૉલિસીની બાકીની રકમ કઢાવી અપાવવા 3.88 લાખ પડાવ્યા

પ્રતીકાત્મક તસવીર

ઇન્શ્યૉરન્સ એજન્ટને ૨૦૧૫થી ૨૦૨૦ દરમ્યા ૩.૮૮ લાખ રૂપિયામાં છેતરનાર ૪ ગઠિયાઓને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ-૬ (ચેમ્બુર યુનિટ)ના અધિકારીઓએ ઝીણવટભરી તપાસ કરી આખરે દિલ્હી અને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા હતા.

અંધેરી-ઈસ્ટના કોલડોંગરીમાં રહેતા ૫૭ વર્ષના ઇન્શ્યૉરન્સ એજન્ટ રાજેન્દ્ર માંડવિયાએ તેના અને તેના પરિવારના સભ્યોના નામે અલગ-અલગ કંપનીની ઇન્શ્યૉરન્સ પૉલિસીઓ લીધી હતી. ૨૦.૮૯ લાખની પૉલિસીઓ લઈ પાછળથી એ કૅન્સલ કરાવી હતી. જે અંતર્ગત તેમને ૧૮.૦૨ લાખ પાછા મળ્યા હતા, પણ બાકીની રકમ મળી રહી નહોતી. એ રકમ પાછી કઢાવી અપાવવાનું કહી ગઠિયાઓની ટોળકીએ તેમની પાસેથી જાન્યુઆરી ૨૦૧૫થી લઈને ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમિયાન એનઓસી, આઇઆરડી ચાર્જિસ, આરબીઆઇ ચાર્જિસ, ઇન્કમ ટૅક્સ, ઓટીપી ચાર્જિસ એમ અલગ-અલગ બહાને ૩.૮૮ લાખ રૂપિયા પડાવ્યા હતા. એમ છતાં, રકમ પાછી ન મળતાં રાજેન્દ્ર માંડવિયાએ આ સંદર્ભે વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમને આ રકમ અલગ-અલગ બૅન્ક-અકાઉન્ટમાં જમા કરવાનું કહેવામાં આવતું હતું, જે અકાઉન્ટ મોટે ભાગે દિલ્હી અને ઉત્તર પ્રદેશના નોએડામાં આવેલાં હતાં.

કેસની ગંભીરતા જોતાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૬ ચેમ્બુરને તેની તપાસ સોંપવામાં આવી હતી. રાજેન્દ્ર માંડવિયાએ જે ૪૮ અકાઉન્ટ્સમાં પૈસા ભર્યા હતા એ બધાની વિગતો એકઠી કરાઈ હતી, જેમાં એ જાણવા મળ્યું હતું કે મોટા ભાગનાં અકાઉન્ટમાં ભલે નામ અલગ હતા, પણ તે ધરાવનાર વ્યક્તિનો ફોટો ઘણી જગ્યાએ એક જ હતો. વળી જેવા પૈસા ભરવામાં આવતા કે તરત જ એ પૈસા ઉપાડી લેવાતા હતા. એથી ઝીણવટભરી તપાસ કરી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ૩૬ વર્ષના પ્રીદેશી શાંતીલાલ ગંભીર ઉર્ફ કપિલ ઉર્ફ રાહુલ ગોયલ ઉર્ફ અમિત ગુપ્તા, ૩૦ વર્ષના વિનય કુમાર રાજેન્દ્ર કુમાર ઉર્ફ રાહુલ ગોયલ ઉર્ફ રવી શર્માને પૂર્વ દિલ્હીમાંથી જ્યારે ૪૬ વર્ષના અજય ત્રિલોકપુરી કશ્યપ ઉર્ફ બૉસ ઉર્ફ ગુરુને ઉત્તર પ્રદેશના સિરાથુમાંથી પકડી લીધી હતા. ત્યાર બાદ ૩૮ વર્ષના રાજેશ કુમાર દિપચંદ કશ્યપ ઉર્ફ સુરેશ મિત્તલ ઉર્ફ અનુરાગ મિત્તલ ઉર્ફ તેજસ્વી ગોયલને પણ દિલ્હીથી ઝડપી લેવાયો હતો.

આ ટોળકી બનાવટી દસ્તાવેજોના આધારે અલગ-અલગ બૅન્કોમાં ખાતા ખોલાવી એમાં લોકોને પૈસા ભરવા કહેતા. આ ટોળકી સામે જમ્મુ-કાશ્મીર, બૅન્ગલોર, આંધ્ર પ્રદેશમાં પણ ગુના નોંધાયા છે.

mumbai mumbai news Crime News mumbai crime news andheri