પાંચ બોગસ ડૉક્ટરો પકડાયા : ક્લિનિકમાંથી દવા અને ઇન્જેક્શન જપ્ત

11 January, 2020 12:13 PM IST  |  Mumbai

પાંચ બોગસ ડૉક્ટરો પકડાયા : ક્લિનિકમાંથી દવા અને ઇન્જેક્શન જપ્ત

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પાંચ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરી છે. વિલે પાર્લે, વર્સોવા અને મલાડમાંથી આ બોગસ ડૉક્ટરોની અટક કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના ૯, ૧૧ અને ૧૨  યુનિટના અધિકારીઓએ  અલગ ટીમ બનાવીને ગુરુવારે રાતે જૉઇન્ટ કાર્યવાહી કરી હતી અને આ બોગસ ડૉક્ટરોનાં ક્લિનિકમાંથી દવા અને ઇન્જેક્શન જપ્ત કર્યાં હતાં.

ડૉક્ટર હોવાની કોઈ પણ પ્રકારની ડિગ્રી પોતાની પાસે ન હોવા છતાં પોતે ક્લિનિક બનાવીને ડૉક્ટર હોવાનું જણાવી લોકોના જીવ સાથે રમતા પાંચ બોગસ ડૉક્ટરોની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે જૉઇન્ટ કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. આ બોગસ ડૉક્ટરોની યાદીમાં વિલે પાર્લેમા બંગાલી ક્લિનિકના સ્વપ્નકુમાર મંડલ, વિલે પાર્લેમાં મિશ્રા ક્લિનિકના રામકુમાર મિશ્રા, વર્સોવામાં અંગારિયા ક્લિનિકના સોહિબ અગારિયા, મલાડ-વેસ્ટમાં શીતલ ક્લિનિકના તુકારામ થોરાત, મલાડ-વેસ્ટમાં મધર ઍન્ડ ચાઇલ્ડ કૅર પેથોલૉજીના આ પાંચ બોગસ ડૉક્ટરોની ધરપકડ ગુરુવારે સાંજે કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ના અધિકારી ચિમાજી ઓઢવ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારાં ગુપ્ત સૂત્રો પાસેથી અમને માહિતી મળી હતી કે વર્સોવા, વિલે પાર્લે અને મલાડમાં આવા ડૉક્ટરો છે જે ડૉક્ટર ન હોવા છતાં પોતે લોકોને દવા આપીને લોકોની જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે. એટલે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ  ૯, ૧૧ અને ૧૨ના અધિકારીઓએ જૉઇન્ટ કાર્યવાહી કરીને આ પાંચ શખસોની ધરપકડ કરી છે.

mumbai mumbai news Crime News mumbai crime branch