મુલુંડમાં ૧૧ વર્ષની બાળકીની રેપ કરીને હત્યા : લાશને કન્ટેનર નીચે ત્યજી દેવાઈ

19 September, 2016 06:57 AM IST  | 

મુલુંડમાં ૧૧ વર્ષની બાળકીની રેપ કરીને હત્યા : લાશને કન્ટેનર નીચે ત્યજી દેવાઈ



અનુરાગ કાંબળે


મુલુંડ (ઈસ્ટ)માં મુલુંડ ચેકનાકા પાસે રહેતી ૧૧ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાની ઘટના બહાર આવી છે. નવઘર પોલીસે આ સંદર્ભે કેસ નોંધીને ઘટનાસ્થળના ઘ્ઘ્વ્સ્ કૅમેરાના ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. ગઈ કાલે પોલીસે વીસથી પચીસ ડ્રાઇવરો અને ક્લીનરોની તપાસ કરી હતી અને એક શંકાસ્પદ વ્યક્તિને તાબામાં લઈને વધુ તપાસ કરી રહી છે.

ઉત્તર પ્રદેશના વાઘરી સમાજની બાળકીના પરિવારજનો બે મહિના પહેલાં જ મુંબઈ આવ્યા હતા. બાળકીના પરિવારમાં તેના પેરન્ટ્સ અને બે નાનાં ભાઈ-બહેનનો સમાવેશ છે. શનિવારે રાતે ૯ વાગ્યાની આસપાસ બાળકીની મમ્મીએ તેને કરિયાણાની દુકાનમાંથી ઘરનો સામાન લેવા મોકલી હતી. બાળકી ગઈ એ પછી અડધો કલાક પછીયે ઘરે પાછી ન ફરતાં તેના પેરન્ટ્સે તેની શોધ કરી હતી. ત્યારે બાળકી બેભાન હાલતમાં ઘર પાસે પાર્ક કરેલા કન્ટેનર નીચેથી મળી આવી હતી. બાળકીના પપ્પાએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તરત જ બાળકીને વીર સાવરકર જનરલ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ડૉક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી.

પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં બાળકી પર રેપ થયો હોવાનું પુરવાર થયું હતું તેમ જ ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસસૂત્રોએ અનુમાન કરતાં જણાવ્યું હતું કે ‘બાળકી પર રેપ થયો હશે ત્યારે તે ચીસ પાડી રહી હોવાથી આરોપીએ તેનું મોં દબાવ્યું હશે. એ પછી બાળકી મૃત્યુ પામી હોવાની જાણ થતાં આરોપીએ તેને કન્ટેનર નીચે છોડી દીધી હશે.’