મુંબઈ: હૅટ્સ ઑફ ટુ ચારકોપ પોલીસ

04 November, 2020 08:08 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: હૅટ્સ ઑફ ટુ ચારકોપ પોલીસ

બબિતાને તેની માતા સુનિતાને સોંપી રહેલા ચારકોપ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભારત ડમરે.

ચારકોપ પોલીસે એક વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાયા બાદ ઝડપી તપાસ કરી ત્રણ જ કલાકમાં અંધેરીથી ચાર આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બે આરોપીઓએ તેમને બાળક ન થતું હોવાથી એક બાળક લાવી આપવા કહેતાં બીજા બે આરોપીઓએ એ માટે ૩૦,૦૦૦ રૂપિયા લઈ તે બાળકીનું અપહરણ કરી તેને આપી હતી.

અપહૃત બાળકી બબિતાની ૩૦ વર્ષની માતા સુનિતા રાજુ ગુરવે તેની ફરિયાદમાં કહ્યું હતું કે ‘તે નાનું-મોટું ધરકામ કરે છે. તે અને તેનો પરિવાર બીજી નવેમ્બરે ભૂમિ પાર્ક ફેસ પાંચની ઑફિસની બહાર ફુટપાથ પર સૂતો હતો. મધરાત બાદ ૩.૩૦ વાગ્યે જ્યારે તેની ઊંઘ ઊડી ત્યારે તેણે જોયું કે તેની બાજુમાં જ સૂવડાવેલી તેની એક વર્ષની અબુધ દીકરી બબિતા ગાયબ છે. એથી તેણે અને તેના પતિએ તેની બહુ જ શોધ ચલાવી હતી, પણ એ ન મળી આવતાં આખરે ચારકોપ પોલીસમાં એ વિશે ફરિયાદ કરી હતી. ૩ નવેમ્બરે સવારના ૧૧ વાગ્યે એ ફરિયાદ લેવાઈ હતી.

એક વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની શક્યતા જણાતાં કેસને ગંભીરતાથી લઈ તરત જ ઉચ્ચ અધિકારીઓની દોરવણી હેઠળ 3 ટીમ બનાવાઈ અને શોધ ચાલુ કરાઈ હતી. સીસીટીવી ફુટેજ ચકાસવામાં આવ્યાં હતાં જેમાં તે બાળકીને બે જણ લઈ જતા હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ ખબરી નેટવર્ક અને અન્ય ટેક્નિકલ તપાસ કરી બીજા બે કલાકમાં અંધેરીમાંથી મહિલા આરોપી પાસેથી બબિતાને સુખરૂપ બચાવી લેવાઈ હતી. મહિલા આરોપી અને તેના ત્રણ સાગરિતોની પણ ધરપકડ કરાઈ હતી.

ચારકોપ પોલીસ સ્ટેશનના આ કેસના તપાસ અધિકારી પીએસઆઇ ભારત ડમરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સાંતાક્રુઝ-ઈસ્ટમાં હનુમાન ટેકડી વિસ્તારમાં રહેતાં સચિન અને સુપ્રિયા યેવલેને બાળકો ન હોવાથી તેમણે રશ્મી રત્નાકર નાયક ઉર્ફ રશ્મી રાજુ પવાર અને રાજુ મોહન પવારને જો તેઓ બાળક લાવી આપે તો ૩૦,૦૦૦ રૂપિયા આપવાની ઑફર કરી હતી અને તેમને એ માટે પહેલાં ૧૫,૦૦૦ રોકડા પણ આપ્યા હતા. એથી ચારકોપમાં જ રહેતા રશ્મી અને રાજુએ બબિતાનું લાગ જોઈ અપહરણ કર્યું હતું. અમે બબિતાને છોડશવી લીધી અને તેમને મળેલા ૧૫,૦૦૦ રૂપિયા પણ હસ્તગત કર્યા છે.’

charkop mumbai police mumbai mumbai news Crime News mumbai crime branch