મુંબઈ : લો બોલો, ગાયની પણ ચોરી થાય છે

26 March, 2021 09:44 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કાંદિવલીમાં બંટી-બબલીએ ચોરી કરવાનો અનોખો આઇડિયા શોધી કાઢ્યો છે. રસ્તા પર ચાલતી ગાયને પકડીને આ બંટી-બબલી પોતાની ગાય છે એમ કહીને એને વેચી નાખતાં હતાં.

ગાય ચોરી કરનાર બંટી-બબલી સીસીટીવી કૅમેરામાં કેદ થયાં હતાં.

કાંદિવલીમાં બંટી-બબલીએ ચોરી કરવાનો અનોખો આઇડિયા શોધી કાઢ્યો છે. રસ્તા પર ચાલતી ગાયને પકડીને આ બંટી-બબલી પોતાની ગાય છે એમ કહીને એને વેચી નાખતાં હતાં. કાંદિવલી પોલીસે તપાસના આધારે ચોરી કરેલી ગાયની ખરીદી કરનાર તબેલામાલિકની ધરપકડ સુધ્ધાં કરી છે. આ ઉપરાંત ચોરી કરેલી બે ગાય પણ મળી આવી છે. જોકે રસ્તા પરથી ગાયને ચોરીને લઈ જતાં બંટી-બબલી ત્યાંના એક સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં ઝડપાયાં છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે.

કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાંદિવલીનો એક તબેલાવાળો પોતાની ગાયોને સવારે દૂધ દોહીને ખાવા માટે માર્કેટ પરિસરમાં છોડી દઈને સાંજે પાછો લેવા જતો હોય છે. દરરોજની જેમ તબેલાવાળાએ બપોરે બે વાગ્યે ગાયોને ખાવા માટે માર્કેટમાં મોકલી દીધી હતી અને સાંજે પાંચ વાગ્યે લેવા ગયો હતો, પરંતુ ગાયો માર્કેટમાં ક્યાંય દેખાઈ નહોતી. અનેક ઠેકાણે શોધી છતાં ગાયો મળી ન હોવાથી તે પોલીસ-સ્ટેશનમાં ગયો હતો અને પોતાની ગાય ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ વખતે તેણે જેના પર શંકા છે એનું નામ પણ આપ્યું હતું. તે વ્યક્તિને પોલીસ-સ્ટેશને લઈને આવ્યા તો તેના પર પહેલાં પણ એક ગાયની ચોરીનો કેસ હતો. તેની પાસેથી ચોરી કરેલી ગાય મળી આવી હતી. પોલીસે તેમની સામે ગુનો નોંધીને તેમની શોધ કરવામાં આવી રહી છે.’

mumbai mumbai news kandivli Crime News mumbai crime news preeti khuman-thakur