ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની 7 કલાક કરી પૂછપરછ, સિંહે તમામ આક્ષેપોને નકાર્યા

25 November, 2021 07:36 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વસૂલાતના મામલે આજે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા.

પરમબીર સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ બહાર ( તસવીરઃ સતેજ શિંદે)

મુંબઈ(Mumbai)ના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વસૂલાતના મામલે આજે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. લગભગ સાત કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. એબીપી ડૉટ કૉમના અહેવાલ પ્રમાણે પરમબીર સિંહે કહ્યું કે `હું સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તપાસમાં સહકાર આપવા આવ્યો છું. મારા પરના તમામ આરોપો ખોટા છે. મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. સત્ય બહાર આવશે.`

સૂત્રોના જણાવ્યા અનુસાર પરમબીર સિંહને તપાસ માટે પાછા બોલાવવામાં આવશે. સિંહ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. ફરિયાદીના આરોપો પર તેણે કહ્યું કે મને આની જાણ નથી. મુંબઈની એક કોર્ટે પરમબીર સિંહને ભાગેડુ જાહેર કર્યા છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે તેમને ધરપકડમાંથી મુક્તિ આપતાં તેમને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું કે સિંહ ચંડીગઢથી અહીં પહોંચ્યા હતા. એરપોર્ટ છોડ્યા બાદ સિંહ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-11 સમક્ષ હાજર થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેડતીના કેસમાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તેમની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો હતો.

નોંધનીય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર `એન્ટિલિયા`ની બહાર એક વાહનમાંથી વિસ્ફોટકો મળી આવ્યા બાદ નોંધાયેલા કેસમાં મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝેની ધરપકડ બાદ માર્ચ 2021માં સિંહને મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવવામાં આવ્યા હતા. આ પછી સિંહને હોમગાર્ડના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

સિંહે મહારાષ્ટ્રના તત્કાલિન ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા, જેને દેશમુખે ફગાવી દીધા હતા. દેશમુખે બાદમાં મંત્રી પદેથી રાજીનામું આપ્યું અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આરોપો પર સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

પરમબીર સિંહ છેલ્લે 7 એપ્રિલના રોજ જાહેરમાં જોવા મળ્યા હતા. તેઓ 4 મેના રોજ ઓફિસ આવ્યા હતા અને ત્યાર બાદ સ્વાસ્થ્યના કારણોસર રજા પર ગયા હતા. પોલીસે 20 ઓક્ટોબરે કહ્યું હતું કે સિંહનો કોઈ પત્તો નથી.

mumbai news mumbai crime branch mumbai