અર્ધનગ્ન મહિલાના ચહેરા પર સુધરાઈના અધિકારીનો ચહેરો

24 February, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવા ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ કરીને ખંડણી માગતા યુવાનની ધરપકડ

ધરપકડ કરાયેલો વિરારનો ચંદન ઠાકુર.

સુધરાઈના અધિકારીઓના ફોટો મૉર્ફ કર્યા બાદ સોશ્યલ મીડિયામાં તેમની બદનામી કરીને ખંડણી માગવાના આરોપસર મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે વિરાર-વેસ્ટમાંથી ૩૨ વર્ષના ચંદન ઠાકુર નામના યુવકની ધરપકડ કરી હતી. અધિકારીઓના ફોટો મૉર્ફ કરીને આરોપી એને મહિલાઓનાં શરીર પર લગાડતો હતો અને બાદમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ કરતો હતો. બદનામીના ડરથી અધિકારીઓ ફોટો ડિલીટ કરવાનું કહેતા ત્યારે આરોપી ચંદન ઠાકુર તેમની પાસેથી ખંડણીરૂપે પૈસા માગતો હોવાનું પોલીસ-તપાસમાં જણાયું છે. અત્યાર સુધી વસઈ-વિરાર મહાનગરપાલિકાના ૧૦થી વધુ અધિકારીઓએ આ સંબંધે ફરિયાદ નોંધાવી છે. ચંદન ઠાકુર સામે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટનાં અન્ય ૭ પોલીસ-સ્ટેશનોમાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુના નોંધાયા છે.

ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-ત્રણના ઇન્ચાર્જ શાહુરાજ રણવરેએ જણાવ્યું કે ‘ગયા વર્ષે ૧૮ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમ્યાન વસઈ-વિરાર મહાનગરપાલિકાના એક વરિષ્ઠ અધિકારીનો ચહેરો એક અર્ધનગ્ન મહિલાના શરીર પર મૂકીને સોશ્યલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. એ ફોટોથી બદનામી થતી હોવાથી અધિકારીએ વિરાર-વેસ્ટમાં આવેલા બોળિંજ પોલીસ-સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધ્યા બાદ સાઇબર પોલીસની મદદથી આરોપીને શોધવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આરોપી સતત મોબાઇલ-નંબર બદલતો રહેતો હતો એટલે તેને ટ્રેસ કરવામાં સમય લાગ્યો હતો. આખરે ચંદન સૂર્યભાણ સિંહ ઉર્ફે ચંદન ઠાકુર વિરાર-વેસ્ટમાં ગ્લોબલ સિટીના એક અપાર્ટમેન્ટમાં હોવાની માહિતી મળ્યા બાદ ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે અત્યાર સુધી ૧૭ ફરિયાદ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બદનામી કરીને ખંડણી માગવા ઉપરાંત સુધરાઈમાં પોતાનું કામ કરાવી લેવા માટે ચંદન ઠાકુર આવું કામ કરતો હોવાનું જણાયું છે.

virar mumbai crime news crime news cyber crime mumbai crime branch vasai mumbai police social media crime branch news mumbai mumbai news