07 February, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બોરીવલી-વેસ્ટમાં એક જ્વેલરી સ્ટોરમાંથી ૭.૮૮ કરોડ રૂપિયાના પાંચ કિલો સોનાના દાગીનાની ચોરીના કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એક ટીનેજરની અટકાયત કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં એક કિલો સોનું જપ્ત કર્યું છે અને આ ચોરીમાં સંકળાયેલા વધુ બેથી ૩ આરોપીઓની શોધ કરી રહી છે. ચોરીના બનાવ બાદ શૉપમાં કામ કરતા બે કર્મચારીઓ ગાયબ થઈ ગયા છે તેથી તેમણે જ ચોરીનું કાવતરું રચ્યું હોય એવી પોલીસને શંકા છે.
પોલીસે આપેલી માહિતી મુજબ આઇ. સી. કૉલોનીમાં આવેલી માય ગોલ્ડ પૉઇન્ટ દુકાનમાં ૧૩ અને ૧૪ જાન્યુઆરીની વચ્ચે રાતે ચોરી થઈ હતી. સ્ટાફને કામકાજના સમય પછી તાળાં મારવા માટે સ્ટોરની ચાવીઓ સોંપવામાં આવી હતી. ચોર બે જ્વેલરી ડિસ્પ્લે કેસ ખાલી કરીને પાંચ કિલો સોનું લઈને ભાગી ગયા હતા. ત્યાર બાદ ફરિયાદને પગલે MHB કૉલોની પોલીસે આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવાનું શરૂ કર્યું હતું.
તાજેતરમાં પોલીસને એક કર્મચારી અને તેના સાથીદારને પકડવામાં સફળતા મળી છે. તેમણે એક સગીરને પણ અટકાયતમાં લીધો હતો જેને ઑબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે એક કિલો સોનું જપ્ત કર્યું છે. બીજો કર્મચારી અને તેના સાગરીતો ૪ કિલો સોના સાથે ફરાર છે જેમને પોલીસ શોધી રહી છે.