મુંબઈ : ભાઇંદરનું ક્વૉરન્ટીન સેન્ટર બળાત્કાર બાદ ડ્રગ્સના વિવાદમાં

21 September, 2020 07:15 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : ભાઇંદરનું ક્વૉરન્ટીન સેન્ટર બળાત્કાર બાદ ડ્રગ્સના વિવાદમાં

ફાઈલ તસવીર

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા ભાઈંદર-ઈસ્ટમાં આવેલા ક્વૉરન્ટીન સેન્ટરમાં એક મહિલા પર બળાત્કાર થવાની ઘટના બાદ અહીં કામ કરતા એક યુવકની ડ્રગ્સ-સપ્લાય કરવાના આરોપસર ધરપકડ કરાતાં આ ક્વૉરન્ટીન સેન્ટર વિવાદમાં સપડાયું છે. પાલિકા-પ્રશાસન લોકોને કામ પર રાખતી વખતે તેમનું કૅરેક્ટર સર્ટિફિકેટ જોતી ન હોવાથી આવી ચોંકાવનારી ઘટનાઓ બની રહી હોવાનું સામે આવ્યું છે.

ભાઈંદર-ઈસ્ટમાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા કોરોનાના શંકાસ્પદ દરદીઓને રાખવા માટે ઊભા કરાયેલા ક્વૉરન્ટીન સેન્ટરમાં તાજેતરમાં એક મહિલા પેશન્ટ પર બળાત્કાર ગુજારવાના મામલામાં પોલીસે અહીં સિક્યૉરિટી પૂરી પાડતી પ્રાઇવેટ કંપનીના ગાર્ડની ધરપકડ કરી હતી. આ ચોંકાવનારી ઘટના બાદ પાલિકાએ નિયુક્ત કરેલી પ્રાઇવેટ સિક્યૉરિટી કંપનીનો કૉન્ટ્રૅક્ટ રદ કરવાની માગણી ઊઠી છે.

આ મામલે પાલિકા-પ્રશાસન સામે સવાલ કરાઈ રહ્યો છે, એવામાં પાલિકાના ક્વૉરન્ટીન સેન્ટરમાં ત્રણ મહિનાથી કામ કરી રહેલા હાઉસકીપર ૨૧ વર્ષના અવિનાશ સિંહની ઍન્ટિ નાર્કોટિક્સ સેલ દ્વારા ૧૫ સપ્ટેમ્બરે ડ્રગ્સ સપ્લાય કરવાના આરોપસર ધરપકડ કરી હતી.

આથી પણ ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે સિક્યૉરિટી ગાર્ડ અને ડ્રગ્સ સપ્લાયનો આરોપી સત્તાધારી બીજેપી સાથે સંકળાયેલા કૉન્ટ્રૅક્ટરની કંપનીનો કર્મચારી છે. આથી વિરોધીઓ દ્વારા બીજેપી પર આકરા પ્રહાર કરાઈ રહ્યા છે. બન્ને કંપનીના કૉન્ટ્રૅક્ટ રદ કરવાની માગણી કરાઈ રહી છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડે પત્રકારોને માહિતી આપી હતી કે ક્વૉરન્ટીન સેન્ટર સાથે સંકળાયેલી બન્ને ઘટનામાં તપાસ કરાઈ રહી છે.

ફરાર ડ્રગ્સ-સપ્લાયર હાથ લાગ્યો

મુંબઈની ઍન્ટિ નાર્કોટિક્સ સેલની ટીમે નાલાસોપારામાં રહેતા અવિનાશ સિંહ અને શ્રવણ ગુપ્તાની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પોલીસને લાંબા સમયથી ફરાર ડ્રગ્સ-સપ્લાયર બલીરામ ઉર્ફે બલી યાદવની માહિતી મળતાં તેની પણ ધરપકડ કરી હતી. મૂળ ઉત્તર પ્રદેશના દેવરા જિલ્લાના દીઘારા સોમાલી ગામનો રહેવાસી ભાઈંદરમાં તેના ભાઈની સાથે રહેતો હતો. પોલીસે તેની ફાટક રોડ પરથી ધરપકડ કરી હતી. પહેલાં બન્ને આરોપી પાસેથી મળેલું બે કિલો ચરસ બલીરામ યાદવે નેપાલથી મેળવીને સપ્લાય કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું.

bhayander coronavirus covid19 lockdown mumbai Crime News mumbai crime news