બોરીવલી-કાંદિવલીમાં રિક્ષા ચોરતી ટોળકી પકડાઈ

12 February, 2020 10:22 AM IST  |  Mumbai

બોરીવલી-કાંદિવલીમાં રિક્ષા ચોરતી ટોળકી પકડાઈ

પોલીસે જપ્ત કરેલી ચોરી કરેલી ઑટોરિક્ષાઓ સાથે આરોપીઓ.

બોરીવલી અને કાંદિવલીમાં રસ્તામાં ઊભી રખાયેલી ઑટોરિક્ષા ચોરીને વેચતી લાંબા સમયથી સક્રિય ટોળકીના ત્રણ આરોપીને પકડીને તેમની પાસેથી ચોરાયેલી ૧૭ ઑટોરિક્ષા હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ આવી રીતે ૨૪ રિક્ષાની ચોરી કબૂલી હોવાનું પોલીસ તપાસમાં જણાઈ આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ રિક્ષા ચોરીને તેના ચેસીસ, એન્જિન અને આરટીઓ પાસિંગ નંબર બદલી નાખતા હતા.

બોરીવલી અને કાંદિવલીમાં છેલ્લા કેટલાક સમયથી ઉપરાઉપરી રસ્તામાં ઊભી રખાયેલી ઑટોરિક્ષા ચોરી થવાની ઘટનાની ફરિયાદો મળતાં ઝોન-૧૧ના ડીસીપી ડૉ. મોહન દહીકરના માર્ગદર્શનમાં ગુનેગારોને પકડવા માટે વિવિધ ટીમ બનાવીને તપાસ ચાલુ કરાઈ હતી. એમએચબી પોલીસ સ્ટેશનની ટીમે ચોરીના આ મામલામાં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી.

ગુનાના પ્રકાર અને ચોરીની મોડસ ઑપરેન્ડી પરથી ચોરીના ગુનામાં સામેલ હોવાની શંકાને આધારે પોલીસે મલાડના માલવણી વિસ્તારમાંથી ૩૫ વર્ષના રવિ પાપા ખારવા, ૩૮ વર્ષના સંજય ચોરસિયા અને સઈદ એહમદ અજીજને તાબામાં લીધા હતા. તેમની પૂછપરછ કરતાં તેમની પાસેથી ચોરાયેલી ૧૩ રિક્ષાઓ મળી આવી હતી. તેમણે અગાઉ પણ આવી રીતે ૧૧ રિક્ષા ચોરી કરી હોવાનું આગળની તપાસમાં જણાતા એ પણ પોલીસે જપ્ત કરી હતી.

આ પણ વાંચો : મુંબઈ: એક મહિનામાં પેટ્રોલના ભાવમાં 4 રૂપિયાનો ઘટાડો

એમએચબી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પંડિત ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ ચોરેલી રિક્ષાના ચેસીસ, એન્જિન અને આરટીઓ નંબર બદલી નાખતાં હતાં એટલે પકડમાં નહોતા આવતા, પરંતુ અમારી ટીમે કરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં આ ટોળકીની ચાલ પકડાઈ ગઈ હતી. અમે બોરીવલી અને કાંદિવલી વિસ્તારમાંથી ચોરી થયેલી તમામ ૨૪ રિક્ષા આરોપીઓ પાસેથી જપ્ત કરીને તેમની ધરપકડ કરી છે.’

mumbai mumbai news borivali kandivli Crime News mumbai crime news