મુંબઈ : નાલાસોપારામાં શ્વાન ભસતાં એના પર કર્યો ચાકુથી હુમલો

09 October, 2020 10:36 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : નાલાસોપારામાં શ્વાન ભસતાં એના પર કર્યો ચાકુથી હુમલો

શ્વાનની કરાઈ સારવાર.

નાલાસોપારા-ઈસ્ટમાં ગાલાનગર પાસે આવેલા શિર્ડી નગરમાં પાંચ ઑગસ્ટે રસ્તા પર ફરી રહેલો એક શ્વાન સ્થાનિકમાં રહેતી એક વ્યક્તિને ભસ્યો હતો. બસ, એટલી જ વાતમાં તે વ્યક્તિને ગુસ્સો આવી જતાં તેણે તેના ખિસ્સામાં રહેલા ચોપરથી સીધો શ્વાન પર હુમલો કરીને એને મારતાં એ લોહીલુહાણ થઈ ગયો હતો. આ બનાવ વિશે માહિતી આપતાં સદ્ભાવના સેવા સંસ્થા ટ્રસ્ટ-નાલાસોપારાના ટ્રસ્ટી નીલેશ ખોખાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્વાનનું ખૂબ લોહી વહી રહ્યું હોવાથી સ્થાનિકોએ એને હળદર લગાડી હતી. પ્રાથમિક સારવાર આપી છતાં શ્વાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેને નાલાસોપારામાં આવેલી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો અને ત્યાં એને છ ટાંકા મારવામાં આવ્યા છે. શ્વાનની તબિયત ગંભીર હોવાથી એને આગળની સારવાર માટે આઠ દિવસ માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયો છે. ખુલ્લેઆમ મૂંગા જાનવર પર થયેલા જીવલેણ હુમલા સામે પોલીસે ફક્ત એનસી લીધી હતી. નવા કમિશનરેટને આ વિશે જાણ કરતાં તેમણે આગળ વાત કરી અને ત્યાર બાદ બુધવારે સાંજે સાત વાગ્યાથી અમે પોલીસ સ્ટેશને બેસ્યા હતા અને છેક રાતે અઢી વાગ્યે એફઆઇઆર નોંધાયો હતો. જાનવરોમાં પણ જીવ છે. આ રીતે શ્વાન પર હુમલો કરતાં એની કેવી હાલત થઈ એ શબ્દોમાં કહી શકાય એમ નથી.’

પોલીસનું શું કહેવું છે?

આ વિશે તુલિંજ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી જલરામ જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બુધવારે મોડી રાતના કલમ ૪૨૯ હેઠળ તસ્લીમ અંસારી વિરુદ્વ કેસ નોંધાયો છે. આ વિશે તપાસ શરૂ કરવામાં આવશે.’

mumbai mumbai news nalasopara