મુંબઈ : અજિત પવારના નામે બિલ્ડરને ધમકી આપનારની ધરપકડ

19 October, 2020 10:22 AM IST  |  Mumbai | Shirish Vaktania

મુંબઈ : અજિત પવારના નામે બિલ્ડરને ધમકી આપનારની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના નામે જુહુના એક બિલ્ડરને ધમકી આપવા બદલ બારામતી સિટી પોલીસે હાલમાં ૪૦ વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ સાથે પોલીસને પત્ર પ્રાપ્ત થયો હતો જેના પર ડી. એન. નગર પોલીસનો સ્ટૅમ્પ હતો અને આરોપીએ જણાવ્યું હતું કે તેણે બિલ્ડર વિરુદ્ધ કરેલી ફરિયાદ વિશે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહ કાર્યવાહી કરશે. શનિવારે જે વ્યક્તિની આ સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે તેની ઓળખાણ પુણેના બારામતીનો રહેવાસી તુષાર તવારે તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડર ૬૪ વર્ષના અજય કામદાર જે ફરિયાદી છે, તેમનો અમદાવાદના બિલ્ડર સંજય દાણી સાથે વિવાદ છે અને તેણે આ ગુનામાં સંજયની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે પછીથી પોલીસે જાણકારી આપી હતી કે આ બાબતમાં તુષાર તવારે સંજય દાણીના કહેવાથી કામ કરી રહ્યો હતો.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં બિલ્ડર અજય કામદારે જણાવ્યું કે ‘૧૪ ઑક્ટોબરે મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખાણ તુષાર તવારે તરીકે કરી અને જણાવ્યું કે હું ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના બારામતી સ્થિત ઑફિસમાં કામ કરું છુ. અજિત પવારના નામે મળેલા એક પત્રમાં લખ્યું હતું કે ફરિયાદનો ત્રણ દિવસમાં નિવેડો આવવો જોઈએ, નહીંતર પોલીસ આ બાબતે ઍક્શન લેશે. આ પત્ર પર ડી. એન. નગર પોલીસનો સ્ટૅમ્પ પણ હતો. મેં આ પત્ર વિશે મંત્રાલયમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના ડેપ્યુટી સીએમની ઑફિસમાં તુષાર નામે કોઈ માણસ કામ નથી કરતો. ત્યાર બાદ આ ઘટનાની જાણ મેં અજિત પવારના પર્સનલ અસિસ્ટન્ટને કરી અને પછીથી આ પત્ર ખોટો હોવાની ખબર પડી. તેમણે મને બારામતી પોલીસ-સ્ટેશન જઈ ફરિયાદ બંધ થવાનું કહ્યું અને ત્યાર બાદ મેં તુષાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.’

mumbai mumbai news Crime News mumbai crime news shirish vaktania ajit pawar