મુંબઈ ​: એક કે બે નહીં ૧૦૮ મહિલાની ચેન આંચકી

29 September, 2020 12:35 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ ​: એક કે બે નહીં ૧૦૮ મહિલાની ચેન આંચકી

આવી રીતે મોટરસાઇકલની પાછળ બેસીને ચેન આંચકી લેવાતી હતી એ સીસીટીવીમાં દેખાય છે.

મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પાલઘર વગેરે વિસ્તારોમાં ૧૨ વર્ષથી ૧૦૮ મહિલાઓની ચેન આંચકનારી એક ગૅન્ગને દહિસર પોલીસે બે દિવસ પહેલાં ઝડપી હતી. ચોંકાવનારી વાત અે છે કે ગૅન્ગમાં આરોપી, તેની પત્ની, સાળો અને મિત્ર સામેલ છે. તેઓ ચોરી કરાયેલી મોટરસાઈકલનો ઉપયોગ ગુનામાં વાપરીને મહિલાઓને કાવતરું ઘડીને નિશાન બનાવતા હોવાથી પોલીસે તમામ સામે મકોકાની કલમ હેઠળ ધરપકડ કરી હતી.

દહિસર ઈસ્ટમાં તાજેતરમાં એક મહિલાની ૨૫ ગ્રામ વજનવાળી સોનાની ચેન આંચકવાની ઘટના બની હતી. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ઘટનાસ્થળના સીસીટીવી ફુટેજની મદદથી ચેન આંચકનારા ૩૭ વર્ષના આરોપી સાજિદ અબ્દુલ અજીજ શેખને ઓળખી કાઢ્યો હતો. આરોપીની હિલચાલ પર નજર રાખીને તેની ધરપકડ કરાઈ હતી.

દહિસર પોલીસની પકડમાં ચેન આંચકનારી ગૅન્ગના આરોપી.

આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી પોલીસને હાથ લાગી હતી. આરોપી સાજિદ ૧૨ વર્ષથી ચેન આંચકવાનો ગુનો કરતો હોવાથી તેણે અત્યાર સુધી મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પાલઘરમાં આવેલા વિસ્તારમાં ૧૦૮ મહિલાઓની ચેન આંચકી હોવાનું કબૂલ્યું હતું. તે પત્ની, સાળા અને એક મિત્રની મદદથી આ કામ કરતો હોવાનું જણાયું છે. પોલીસ માટે આનાથી પણ ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આરોપીઓ અન્ય કેટલાક ગુનેગારોની મદદથી પહેલાં મોટરસાઈકલ ચોરી કરતા હતા. બાદમાં એનો ઉપયોગ ચીલ ઝડપ કરવા માટે કરાતો હતો. ચોરેલી મોટરસાઈકલ પોલીસના રડારમાં આવ્યા બાદ તેઓ મોટરસાઈકલ ગમે ત્યાં મૂકી દઈને બીજી મોટરસાઈકલની ચોરી કરતા.

દહિસર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અનિલ આવ્હાડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપી સાજિદની અનેક વખત ચેન આંચકવાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. તે જેલમાં હોય ત્યારે ત્યાં બંધ ગુનેગારોનો સંપર્ક કરીને પોતાની સાથે ગુનામાં સામેલ થવાની લાલચ આપતો. તેની સાથે જોડાનારાનો ઉપયોગ તે મોટરસાઈકલ ચોરી કરવામાં કરતો. દરેક વખતે તેઓ જુદી જુદી મોટરસાઈકલથી ગુનો આચરતા હોવાથી પોલીસને હાથ નહોતા ચડતા. જોકે દહિસરમાં તાજેતરમાં થયેલી સોનાની ચેનની ચીલઝડપમાં તેઓ અમારી નજરે ચડી ગયા હોવાથી તેઓ આબાદ ઝડપાઈ ગયા હતા. આરોપી સાજિદની સાથે પત્ની સમીમ અને સાળા આરિફ પાસેથી ૮૬ ગ્રામ સોનાના દાગીના હાથ લાગ્યા છે. અતીક નામનો આ ગૅન્ગનો એક સાગરીત ફરાર થઈ ગયો છે. આરોપીઓ ચેન આંચકવાનો ગુનો કાવતરું ઘડીને કરતા હોવાથી અમે તેમની સામે આઇપીસીની કલમો ૩૯૨, ૪૧૧ અને ૩૪ ઉપરાંત મકોકાની કલમ ૩(૧), ૩(૨) અને ૩(૪) લગાવીને આગળની તપાસ હાથ ધરી છે.’

દરેક વખતે તેઓ જુદી જુદી ચોરીની મોટરસાઈકલથી ગુનો આચરતા હોવાથી પોલીસને હાથ નહોતા ચડતા.
- અનિલ આવ્હાડ, દહિસર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર

mumbai mumbai crime news Crime News mumbai news prakash bambhrolia dahisar