મુંબઈ : ફર્નિચરકામના મળેલા પેમેન્ટની વહેંચણીમાં યુવકની હત્યા કરાઈ

21 September, 2020 10:37 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : ફર્નિચરકામના મળેલા પેમેન્ટની વહેંચણીમાં યુવકની હત્યા કરાઈ

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં ૧૫ સપ્ટેમ્બરે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફર્નિચરનું કામકાજ કરતા મૃતક યુવકના સાથીઓ ગાયબ હોવાથી તેમના મોબાઇલ નંબરને આધારે મુંબઈ પોલીસે ગઈ કાલે ફર્નિચરનું કામ લઈને રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા એક સાથીની નેપાલ બૉર્ડર પાસેથી ધરપકડ કરી હતી. કામના મળેલા પેમેન્ટની વહેંચણીમાં ઝઘડો થતાં તેણે યુવકની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ડોંગરી વિસ્તારમાં જેલ રોડ પરની એક ઇમારતના છઠ્ઠા માળે ૧૫ સપ્ટેમ્બરે પેસેજમાં એક યુવકનો મૃતદેહ જોવા મળતાં ડોંગરી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપ્યો હતો. તપાસમાં મૃતકની ઓળખ મુકેશ ગુપ્તા હોવાનું જણાયું હતું, જે તેના બે સાથી સાથે ફર્નિચરનું કામ કરતો હતો. મુકેશની હત્યા બાદ તેના સાથીઓ ગાયબ હતા.

બબલુ ઉર્ફે બદરુ યાદવ નામનો મિસ્ત્રી ઉત્તર પ્રદેશના નેપાલની બૉર્ડર પાસેના ગામનો વતની હોવાની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસની ટીમ તેને પકડવા રવાના થઈ હતી.

ડોંગરી વિભાગના એસીપી અવિનાશ ધર્માધિકારીએ જણાવ્યું હતું કે ‘પોલીસ પોતાના ગામ સુધી આવી પહોંચી હોવાનું જાણ્યા બાદ આરોપી બબલુ યાદવ બૉર્ડર ક્રૉસ કરીને નેપાલ જતો રહ્યો હતો. જોકે તેની પાસેના રૂપિયા ખતમ થઈ જવાથી તે જંગલના રસ્તે ગામમાં આવી રહ્યો હતો ત્યારે તેની અમારી ટીમે ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં જણાયું હતું કે મુકેશ ગુપ્તા અને અન્ય એક યુવક સાથે આરોપી બબલુએ ફર્નિચરનું કામ રાખ્યું હતું. કામનું પેમેન્ટ મળ્યા બાદ તેમની વચ્ચે ઝઘડો થતાં બબલુએ મુકેશના માથામાં વજનદાર વસ્તુ ફટકારતાં તેનું મૃત્યુ થયું હતું.’

mumbai dongri mumbai news Crime News mumbai crime news