Paytmનું ઑનલાઇન વેરિફિકેશન કરવા જતાં વ્યક્તિએ 97900 રૂપિયા ગુમાવ્યા

31 May, 2020 08:26 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

Paytmનું ઑનલાઇન વેરિફિકેશન કરવા જતાં વ્યક્તિએ 97900 રૂપિયા ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન હોવાથી ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન વધી જવાની સાથે ઑનલાઇન ફ્રૉડનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે આવો જ એક બનાવ બુધવારે બપોરે એક વાગ્યે બન્યો હતો. પૅટીએમ અકાઉન્ટનું ઑનલાઇન વેરિફિકેશન કરાવવા જતાં બોરીવલીના એક રહેવાસીના ક્રેડિટ કાર્ડમાંથી ૯૭,૯૦૦ રૂપિયા એક અજાણ્યા શખસે કાઢી લીધા હતા. સાઇબર સેલમાં તેમ જ બોરીવલી-વેસ્ટના પોલીસ-સ્ટેશનમાં એ સંદર્ભે ફરિયાદ કરતાં તપાસ હાથ ધરાઈ છે. પૅટીએમ અકાઉન્ટનું કેવાયસી એક્સપાયર થઈ ગયું છે જેથી તરત અકાઉન્ટનું વેરિફિકેશન કરાવો, નહીંતર ૨૪ કલાકમાં પૅટીએમ અકાઉન્ટ બ્લૉક થઈ જશે એવો એક પ્રાઇવેટ નંબર પરથી મેસેજ આવ્યો હતો એમ કહેતાં બોરીવલીમાં રહેતા જિમિશ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે ૯ વાગ્યે મને મેસેજ આવ્યો હતો, પરંતુ મારું ઑફિસ-વર્ક ચાલુ હોવાથી મેં ત્યારે વધુ ધ્યાન આપ્યું નહોતું. મારું કામ પૂરું થયા પછી મને થયું કે લૉકડાઉન પણ છે તો પૅટીએમ અકાઉન્ટ ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન માટે કામ આવશે એટલે અકાઉન્ટને વેરિફિકેશન કરી દઉં એવું સમજીને મેં જે પ્રાઇવેટ નંબર પરથી મેસેજ આવ્યો હતો એમાં જે કૉલ-નંબર આપ્યો હતો એને ડાયલ કર્યો. એ પછી મેં ત્રણ વખત નંબર ડાયલ કર્યો હતો, પરંતુ તેણે કૉલ ઉપાડ્યો નહોતો અને મેસેજ આવ્યો કે અત્યારે હું વ્યસ્ત છું, થોડા સમય પછી કૉલ કરું છું. એ પછી તેમનો જ બપોરે સાડાબાર વાગ્યે મને સામેથી ફોન આવ્યો. મેં કૉલ ઉપાડ્યો એટલે સામે છેડેથી અજાણ્યા માણસે મને કહ્યું કે તમારું પૅટીએમ અકાઉન્ટ એક્સપાયર થઈ ગયું છે જેને ટોકન-નંબર નાખીને વૅલિડ કરવું પડશે.

મને થોડો ડાઉટ ગયો કે આ ફેક કૉલ હોઈ શકે છે, પરંતુ મને એ સમયે શું થયું કે અજાણ્યા માણસે જે કહ્યું એમ હું કરવા માંડ્યો એમ કહેતાં જિમિશ જોષીએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે પ્લેસ્ટોરમાંથી અજાણ્યા માણસે મને ઍની ડેસ્ક રિમૉટ કન્ટ્રોલ નામની ઍપ ડાઉનલોડ કરવા કહ્યું હતું જે મેં કરી અને એનો પાસવર્ડ અજાણ્યા માણસને આપ્યો હતો. ત્યાર બાદ ગૂગલ ક્રૉમમાં જઈને પૅટીએમ અકાઉન્ટને લૉગઇન કરીને ઓપન કરવા કહ્યું, પરંતુ મને પાસવર્ડ યાદ ન હોવાથી ત્રણ વખત મેં પાસવર્ડ નાખ્યો હતો અને એ ખોટો આવ્યો હતો એટલે કંટાળીને મેં અજાણ્યા માણસને કહ્યું કે મારે નથી કરાવવું ત્યારે તેણે મને પૅશન્સથી કહ્યું કે કરી લો, અત્યારે લૉકડાઉન છે તો કામ આવશે એટલે ફરી એક વખત મેં ટ્રાય કરી, પરંતુ કંઈ થયું નહીં એટલે અજાણ્યા માણસે મને કહ્યું કે એક કામ કરો, તમે પૅટીએમ અકાઉન્ટના સર્ચબારમાં જાઓ. ત્યાં જઈને પાંચ રૂપિયાની કૂપન આવશે એટલે પાંચ સ્પેસ કરી તમારો ક્રેડિટ કાર્ડ નંબર નાખો. એ નાખ્યા પછી કાર્ડની એક્સપાયરી ડેટ નાખી. તો કહ્યું કે હવે સીવીવી નંબર પણ નાખો. જેવો મેં સીવીવી નંબર નાખી એન્ટર કર્યું એટલે મને એક ઓટીપીનો મેસેજ આવ્યો અને પાંચ સેકન્ડમાં જ ૪૪,૦૦૦ રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન થઈ ગયું. એ પછી બીજી ૧૦ સેકન્ડમાં ૫૩,૯૦૦ રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન થયું એટલે તરત જ મેં ફોન કટ કર્યો અને ઍની ડેસ્ક રિમૉટ કન્ટ્રોલ ઍપને મારા મોબાઇલ ફોનમાંથી ડિલીટ કરી નાખી, કેમ કે એ ઍપ દ્વારા મારા મોબાઇલની સ્ક્રીન શૅર થતી હતી એ મને પછી ક્લિક થયું. મેં સાઇબર સેલમાં ફરિયાદ કરી અને બપોરે ૪ વાગ્યે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં પણ ફરિયાદ કરી હતી. બીજા દિવસે મને સાઇબર સેલમાંથી કૉલ આવ્યો કે ટ્રેસ કરતાં ખબર પડી કે અજાણ્યા માણસે તમારા રૂપિયા પૅ યુ મનીના વૉલેટમાં લીધા હતા. એ પછી રૂપિયા કાઢીને કોઈ બિલ આપવા માટે ભરી દીધા હતા. સાઇબર સેલ વધુ તપાસ કરી રહી છે અને બોરીવલીના પોલીસ અધિકારીઓનો પણ મને રિસ્પૉન્સ મળ્યો હતો અને તેઓએ પણ તપાસ હાથ ધરી છે.’

આ બાબતે સાઇબર સેલના પોલીસ અધિકારી પ્રફુલ્લ વાઘે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જિમિશ જોષીનો મેઇલ મળતાં તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે જિમિશ જોષીના રૂપિયા પૅ યુ મનીના વૉલેટમાં લીધા એ પછી અમે પૅ યુ મનીને કહ્યું કે રૂપિયા અકાઉન્ટમાં હોય તો એને બ્લૉક કરી દો, તો તેમણે અમને કહ્યું કે એ રૂપિયા તો ત્રીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર થઈ ગયા છે. ૫૩,૯૦૦ રૂપિયા તો અજાણ્યા માણસે અલગ-અલગ જગ્યાએ ખર્ચ કરી નાખ્યા હોવાથી એ તો પાછા નહીં મળી શકે, પરંતુ ૪૪,૦૦૦ રૂપિયા જિમિશને પાછા મળી જાય એની અમે પૂરી ટ્રાય કરી રહ્યા છીએ.’

mumbai mumbai crime news Crime News urvi shah-mestry