નેવીમાં જૉબ અપાવવાના નામે ચીટિંગના આરોપસર બોગસ નેવી ઑફિસરની ધરપકડ

16 September, 2020 09:25 AM IST  |  Mumbai | Mumbai Correspondent

નેવીમાં જૉબ અપાવવાના નામે ચીટિંગના આરોપસર બોગસ નેવી ઑફિસરની ધરપકડ

આરોપી મનીષ અરીસેલા.

કાંદિવલીમાં નિવૃત્ત નેવી ઑફિસરની શિવસૈનિકો દ્વારા મારપીટનો મામલો તાજો છે ત્યારે લોકોને નેવીમાં જૉબ અપાવવાની સાથે કૅન્ટીનમાંથી સસ્તામાં વસ્તુઓ અપાવવાના નામે લોકો સાથે ચીટિંગ કરવાના આરોપસર એક બોગસ નેવી ઑફિસરની નવી મુંબઈ પોલીસે તાજેતરમાં ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યા મુજબ નેવીની કૅન્ટીનમાંથી અડધી કિંમતમાં મોબાઇલ, લૅપટૉપ, સોનું વગેરે અપાવવા માટે પોતાની ઓળખાણ નેવી ઑફિસર તરીકે કરીને ૨૪ વર્ષના મનીષ અરીસેલાએ એક વ્યક્તિને કહ્યું હતું અને તેની પાસેથી ૭,૩૨,૭૦૦ રૂપિયા કૅશ લીધા હતા. રૂપિયા મળી ગયા બાદ વાશી પોલીસે ૧૦ સપ્ટેમ્બરે શંકાને આધારે મુંબઈમાં મેટ્રો સિનેમા પાસેથી આરોપી મનીષને તાબામાં લીધો હતો. પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હતો. તેણે કેટલાક લોકોને નેવીની કૅન્ટીનમાં પ્રવેશ મેળવવા માટેનાં આઇડેન્ટિટી કાર્ડ સહિતના બોગસ ડૉક્યુમેન્ટ્સ બનાવી આપ્યા હતા. એટલું જ નહીં, નેવીમાં જૉબ અપાવવાની લાલચ પણ આપી હોવાથી કેટલાક લોકો તેની જાળમાં ફસાયા હતા. તપાસમાં તેણે ૧૬ લાખ રૂપિયા આવી રીતે લોકો પાસેથી પડાવ્યા હોવાનું જણાયું હતું.

વાશીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજીવ ધુમાળ અને તેમની ટીમે કરેલી તપાસમાં જણાયું હતું કે આરોપી ૧૨મા ધોરણ સુધી ભણેલો છે. તેનું ઇંગ્લિશ સારું હોવાથી પહેલાં તે કૉલ સેન્ટરમાં કામ કરતો હતો. ત્યાર બાદ તેણે પુણેના ખડકવાસલા જઈને ઇન્ડિયન નેવીની ટ્રેઇનિંગની માહિતી મેળવી હતી. નેવીની કૅન્ટીનમાં સસ્તામાં વસ્તુઓ મળતી હોવાનું જાણ્યા બાદ તેણે પોતે નેવી ઑફિસર હોવાની ઓળખ ઊભી કરી હતી. તે કાયમ નેવીના યુનિફૉર્મમાં ફરતો અને કૅન્ટીનમાંથી અડધા ભાવે વસ્તુઓ લાવી આપવાનું લોકોને કહેતો હતો. તેની વાતમાં આવીને કેટલાક લોકોએ તેને રોકડા રૂપિયા આપ્યા હતા. આરોપીએ વાશીના ફરિયાદીની જેમ અનેક લોકોને છેતર્યા હોવાની શક્યતા હોવાથી પોલીસે છેતરાયેલા લોકોને વાશી પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરવાની અપીલ કરી છે.

mumbai mumbai news Crime News mumbai crime news kandivli