બિલ્ડરો અને બૉલીવુડવાળા પાસે ખંડણી માગતા રવિ પૂજારીને 14 દિવસની કસ્ટડી

24 February, 2021 09:16 AM IST  |  Mumbai | Agency

બિલ્ડરો અને બૉલીવુડવાળા પાસે ખંડણી માગતા રવિ પૂજારીને 14 દિવસની કસ્ટડી

રવિ પૂજારી

છોટા રાજનના સાગરીત અને ત્યાર બાદ પોતાની ટોળકી બનાવીને બિલ્ડર-લૉબી, હોટેલિયર્સ અને બૉલીવુડના અનેક માંધાતાઓ સહિત અનેક બિઝનેસમેન પાસેથી ખંડણી લેવાનો આરોપ ધરાવતા ગૅન્ગસ્ટર રવિ પૂજારીને મુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી મુંબઈ લઈ આવી હતી. ગઈ કાલે સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૯ માર્ચ સુધીની ૧૪ દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી. ૨૦૧૬માં વિલે પાર્લે (ઈસ્ટ)માં આવેલી ગજાલી હોટેલના કર્મચારી પર ફાયરિંગ કરવાના કેસમાં તેની કસ્ટડી લઈને તેને કોર્ટમાં હાજર કરાયો હતો.

મુંબઈ પોલીસના જૉઇન્ટ સીપી (ક્રાઇમ) મિલિંદ ભારમ્બેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈ પોલીસે સેનેગલ કોર્ટમાં રજૂઆત કરીને રવિ પૂજારીની કસ્ટડી મેળવી છે. મુંબઈમાં અલગ-અલગ પોલીસ-સ્ટેશનોમાં રવિ પૂજારી સામે નોંધાયેલા ૧૦ કેસ જેમાં મજબૂત પુરાવા હતા એમાં તેનું પ્રત્યર્પણ મળે એ માટેની માગણી કરી હતી. ઘણી બધી દલીલો બાદ આખરે સેનેગલ કોર્ટે તેના પ્રત્યર્પણનો ઑર્ડર પાસ કર્યો છે. આજે તેને સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેને પહેલા કેસમાં ૯ માર્ચ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી જેવા અનેક કેસ છે. ઘણાંબધાં વર્ષોમાં આ કેસ નોંધાયા છે. અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ. તેની વિરુદ્ધના પુરાવા, તેના સાગરીતો બધાની માહિતી મુંબઈ પોલીસ ભેગી કરી રહી છે. તેની સામે નોંધાયેલા અન્ય કેસમાં પણ તેના પ્રત્યર્પણની મંજૂરી મળે એ માટે અમારા પ્રયાસ ચાલુ છે.’

mumbai mumbai news ravi pujari Crime News mumbai crime news