મુંબઈની ૧૨ વર્ષની છોકરી પર ગૅન્ગ-રેપ થયેલો?

28 October, 2014 03:14 AM IST  | 

મુંબઈની ૧૨ વર્ષની છોકરી પર ગૅન્ગ-રેપ થયેલો?




ઈશાન મુંબઈમાં આવેલા શિવાજીનગરમાં ૧૨ વર્ષની ટીનેજર પર બળાત્કાર અને ત્યાર બાદ તેની થયેલી હત્યાની ઘટનામાં આ ગુનો ફક્ત એક ગુનેગારે કર્યો ન હોવાની, પણ તેના પર ગૅન્ગ-રેપ થયો હોવાની શંકા પોલીસે દર્શાવી છે.

આ કેસમાં તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ચાર અને શિવાજીનગર પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ બે જણની અટકાયત કરી છે. આ બનાવની તપાસની કાર્યવાહી વિશે એક પોલીસ-અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘અમે આ કેસમાં ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. એક પણ અટકાયતીએ ગુનો કબૂલ કર્યો ન હોવાથી અમે તેમનાં DNA સૅમ્પલ લઈશું. ભોગ બનેલી બાળકીના મોઢા અને પ્રાઇવેટ પાર્ટમાંથી તથા મૃતદેહ જે ઉકરડામાં પડ્યો હતો ત્યાંથી અમને કપડાના ટુકડા મળ્યા છે.’

રેપ અને મર્ડરનો આ બનાવ રવિવારે રાતે બારથી બે વાગ્યા વચ્ચેના સમયગાળામાં બન્યો હોવાનું પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. જોકે શનિવારે સાંજે પાંચ વાગ્યે ગુમ થયેલી બાળકીને બાંધીને એ એરિયાના ગાર્મેન્ટના ગોડાઉનમાં રખાયા બાદ આ ક્રૂર અત્યાચાર થયો હોવાની શક્યતા તપાસ કરનાર પોલીસ-અધિકારીઓએ દર્શાવી છે.

પોસ્ટમૉર્ટમના રિપોર્ટ પ્રમાણે પહેલાં બાળકીને હાથ વડે મોઢું દબાવીને ગૂંગળાવવામાં આવી હતી અને ત્યાર પછી તે ખરેખર મરી જાય એની ખાતરી કરવા માટે કપડા વડે તેને ગળે ફાંસો અપાયો હોવાનું જણાયું છે.

બાળકીના પિતાએ જણાવ્યું હતું કે ‘શનિવારે મારી દીકરી ગુમ થતાં અમે તેને ખૂબ શોધી હતી, પરંતુ તેના ક્યાંય સગડ ન મળતાં અમે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. મોડેથી હું મુલુંડ જઈ રહ્યો હતો ત્યારે મને પોલીસ-સ્ટેશનમાંથી ફોન કરીને એક મૃતદેહ મળ્યો હોવાથી એની ઓળખ માટે આવવા જણાવવામાં આવ્યું હતું. પોલીસ વહેલી તકે આરોપીઓને પકડી લેશે એવી મારી પરિવારને આશા છે. ઝોનલ DCP અને ACPએ ૪૮ કલાકમાં ગુનેગારોને ઝડપી લેવાની બાંયધરી આપી છે એથી અમે ગુનેગારોને ઝડપી લેવાયાની ખબરની રાહ જોઈએ છીએ, કારણ કે અમારે જાણવું છે કે કોઈ અમારી માસૂમ દીકરી સાથે આવી ક્રૂરતા શા માટે આચરે.’