મુમ્બ્રામાં 12 લાખના દાગીના-મોબાઇલ ચોરનારી ગૅન્ગ પકડાઈ

08 July, 2020 12:01 PM IST  |  Mumbai | Mumbai correspondent

મુમ્બ્રામાં 12 લાખના દાગીના-મોબાઇલ ચોરનારી ગૅન્ગ પકડાઈ

પ્રતીકાત્મક તસવીર

મુમ્બ્રામાં બંધ ઘરમાં તેમ જ દુકાનોમાંથી ૧૨ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના અને ૧૩ મોબાઇલ સહિતની વસ્તુઓની ચોરી કરતી ગૅન્ગ પકડી હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણ આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ૬.૬૯ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે. લૉકડાઉનમાં ઘરો અને દુકાનો બંધ હોવાથી આરોપીઓ હાથની સફાઈ કરતા હતા.

મુમ્બ્રાના કૌસામાં આવેલી અફ્રોઝ મંઝિલમાં પહેલા માળે આવેલું મકાન ૧૫થી ૨૮ જૂન દરમ્યાન બંધ હતું. ફરિયાદીઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેમને ૭,૧૫,૦૦૦ લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના, એલઈડી ટીવી, ધાબળા, કુકર વગેરે ચોરી થઈ હોવાનું જણાયું હતું.

મુમ્બ્રા પોલીસે ફરિયાદ નોંધીને સિનિયર ઇન્સ્પેક્ટર મંગેશ બોરસેના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરીને ૨૫ વર્ષના આરોપી સરફરાઝ હુસેન ખાનની ધરપકડ કરી તેની પાસેથી ૪,૫૪,૫૦૦ રૂપિયાની ચોરીની માલમતાની રિકવરી કરી હતી. પાંચમી જુલાઈએ મુમ્બ્રા પોલીસ સ્ટેશનમાં દત્તુવાડીમાં રહેતા વિજય મંડલે પોતાના ઘરમાંથી એક મોબાઇલ અને રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરીને એક આરોપીની ધરપકડ કરી હતી. આવી જ રીતે દિવા ક્રાઇમ બ્રાન્ચમાં એક દુકાનમાંથી ૨,૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના નવા ૧૨ મોબાઇલ ચોરી થવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરીને એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ૬ મોબાઇલ જપ્ત કર્યા હતા. મુમ્બ્રા પોલીસ અને દિવા ક્રાઇમ બ્રાન્ચને ઉકેલાયેલા ત્રણેય મામલામાં આરોપીઓ લૉકડાઉનમાં બંધ ઘર અને દુકાનોમાંથી ચોરી કરતા હોવાનું જણાયું હતું. ત્રણેય મામલાની કડી એકમેક સાથે જોડાયેલી હોવાથી આ ગૅન્ગે બીજાં ઘર-દુકાનોમાં પણ હાથ સફાઈ કરી હોવાની શક્યતા હોવાથી આગળની પૂછપરછ હાથ ધરી છે.

mumbai Crime News mumbra mumbai crime news mumbai news