સેન્ટ્રલ રેલવેમાં લેડીઝ અને જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટ સાવ જ અલગ કરવાનું પ્લાનિંગ

07 November, 2012 05:58 AM IST  | 

સેન્ટ્રલ રેલવેમાં લેડીઝ અને જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટ સાવ જ અલગ કરવાનું પ્લાનિંગ



સેન્ટ્રલ રેલવેમાં મહિલા પ્રવાસીઓની હેરાનગતિની ફરિયાદો દિવસે-દિવસે વધી રહી છે ત્યારે સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર સુબોધ જૈને એને ઉકેલવા માટે અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. તેઓ હવે સેન્ટ્રલ રેલવેમાં લેડીઝ અને જેન્ટ્સ કમ્પાર્ટમેન્ટને સાવ જ અલગ પાડી દેવા માગે છે. તેઓ કહે છે કે ‘આ કામ મુશ્કેલ ચોક્કસ છે, પણ એની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલમાં સેન્ટ્રલ લાઇન પર શરૂ થયેલી ૧૫ ડબ્બાની સર્વિસમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.’

રેલવે-અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે તેમને મહિલા પ્રવાસીઓ તરફથી રોજની ત્રીસેક હેરાનગતિની ફરિયાદો મળે છે. આમાંથી મોટા ભાગની ફરિયાદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના હેલ્પલાઇન નંબર ૯૮૩૩૩૩૧૧૧૧ પર નોંધાયેલી હોય છે. આમાંથી મહત્તમ ફરિયાદો પુરુષપ્રવાસીઓ તેમ જ મહિલાઓના ડબ્બામાં પ્રવાસ કરતા ૧૨ વર્ષની વય કરતાં મોટા તરુણો વિશે હોય છે. જીઆરપી પાસે ઉપલબ્ધ આંકડા પ્રમાણે ૨૦૧૧ના વર્ષમાં મહિલાપ્રવાસીઓની હેરાનગતિ કરવાના ૫૧૭ કેસો નોંધાયા હતા, જ્યારે આ વર્ષે હમણાં જ આ આંકડો ૫૦૦ને પાર કરી ગયો હતો. આ વિશે વાત કરતાં એક  સિનિયર પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘આ આંકડાઓ સાવચેતી રાખવાની ચેતવણી આપે છે. આ સમસ્યાના ઉકેલ માટે નક્કર નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે, જેની મદદથી આ ફરિયાદોનું પ્રમાણ ઘટાડી શકાય. મને નથી લાગતું કે મહિલાઓના અને પુરુષોના કમ્પાર્ટમેન્ટ સાવ જ અલગ પાડી દેવાનું જનરલ મૅનેજરનું સપનું જલદી પૂરું થાય અને ફરિયાદોના આંકડામાં ઘટાડો થાય.’

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જીઆરપી દ્વારા લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં સુરક્ષા જવાનોની સંખ્યા એકમાંથી બે કરવામાં આવી છે. આ સુરક્ષા જવાનો રાતે ૮ વાગ્યાથી છેલ્લી ટ્રેન સુધી પોતાની ફરજ બજાવે છે. જોકે મહિલાપ્રવાસીઓને તેમની સુરક્ષા માટેના આ પગલાથી સંતોષ નથી. આ વિશે રોજ રાત્રે ૧૦ વાગ્યા પછી ઠાકુર્લી અને સીએસટી રૂટ પર પ્રવાસ કરતી સુજાતા દળવીએ કહ્યું હતું કે મને તો ભાગ્યે જ લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં કોઈ સુરક્ષા ગાર્ડની હાજરી જણાય છે.