મહિલાએ તેના પતિ અને સંજય રાઉત સામે કરેલા આક્ષેપોનો અહેવાલ સુપરત કરવા પોલીસ કમિશનરે વધુ સમય માગ્યો

25 June, 2021 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પબ્લિક પ્રોસિક્યુટર દીપક ઠાકરેએ ગુરુવારે હાઈ કોર્ટને જણાવ્યું

સંજય રાઉત

શિવસેનાના નેતા સંજય રાઉતના ઇશારે ચોક્કસ શખ્સો દ્વારા પીછો અને પજવણી કરવામાં આવતી હોવાના ૩૬ વર્ષની મહિલાના આક્ષેપોની તપાસ કરવા માટે મુંબઈના પોલીસ કમિશનરે ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટ પાસે વધુ સમયની માગણી કરી હતી. મહિલાએ તેના પતિ પર પણ આ આરોપ લગાવ્યો છે.

પબ્લિક પ્રોસિક્યુટર દીપક ઠાકરેએ ગુરુવારે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ‘કમિશનર ઑફ પોલીસે અહેવાલો તથા અન્ય સંબંધિત દસ્તાવેજો મગાવ્યા છે. તેઓ તપાસ કરીને સમાવેશક અહેવાલ સુપરત કરશે.’

બેન્ચે રજૂઆત સ્વીકારી હતી અને પહેલી જુલાઈ સુધીમાં રિપોર્ટ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે અમે વધુ એક્સ્ટેન્શન આપીશું નહીં. મહિલાએ તેની અરજીમાં કહ્યું હતું કે તેણે ૨૦૧૩ અને ૨૦૧૮માં ત્રણ ફરિયાદો નોંધાવી હતી, પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.

આ વર્ષે માર્ચ મહિનામાં પિટિશનની સુનાવણી કરાઈ ત્યારે સંજય રાઉતના વકીલ પ્રસાદ ઢાકેફાલકરે પિટિશનનો વિરોધ કરીને આરોપો ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે પિટિશનર પારિવારિક મિત્ર હતાં અને શિવસેનાના નેતાનાં પુત્રી સમાન હતાં.

મહિલાએ બનાવટી પીએચડી સર્ટિફિકેટના કેસમાં બાંદરા પોલીસ દ્વારા કરાયેલી તેની ધરપકડને પડકારતી અલાયદી પિટિશન પણ ગુરુવારે દાખલ કરી હતી. મહિલા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

mumbai mumbai news shiv sena sanjay raut