ખુલ્લી ગટરમાં પડી ગયેલી ગાયને બાર કલાકે બહાર કાઢવામાં આવી

24 May, 2021 09:09 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

શનિવારે સાંજે વિરારના જકાતનાકા પાસે આઠ ફુટની ગટરમાં પડી ગયેલી ગાયને ગઈ કાલે સવારે ફાયર બ્રિગેડના અધિકારીઓએ મહામહેનતે બહાર કાઢી

ગાયને ગટરમાંથી કાઢ્યા પછી એને બાંધેલાં દોરડાં છોડી રહેલો ફાયર બ્રિગેડનો જવાન.

વિરાર-વેસ્ટના જકાતનાકા પાસે આવેલા વિવા મંલાજ ગ્રાઉન્ડની નજીક આવેલી આઠ ફુટ ખુલ્લી ગટરમાં એક ગાય ગઈ કાલે પડી ગઈ હતી. જોકે ગાયને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વસઈ-વિરાર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ગઈ કાલે સવારે છેક ૧૨ કલાક બાદ ગાયને બચાવી લીધી હતી. લાંબો સમય ગટરમાં પડી રહેતાં અને રસ્સીની મદદથી બહાર કાઢવામાં આવી હોવાથી ગાય રીતસરની તડફડતી હતી અને પછી એણે રાહતનો શ્વાસ લીધો હોય એવું દેખાઈ આવ્યું હતું. ખુલ્લી ગટરનું જોખમ નાગરિકો સાથે હવે મૂંગાં જનાવરોને પણ થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

વિરારમાં ગઈ કાલે આ આઠ ફુટ ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હતી અને ગાયને બહાર કાઢવા માટે ગટરમાં ઊતરેલો ફાયર બ્રિગેડનો જવાન.

શનિવારે સાંજના સમયે ગ્રાઉન્ડ પાસે આ ગાય ચરી રહી હતી. ગ્રાઉન્ડની બહાર સિમેન્ટની બનાવેલી ફુટપાથ પર એ ચાલી રહી હતી ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં પડી હતી અને ગટરમાંના કચરામાં ફસાઈ ગઈ હતી. ગટરમાં પડતાં જ ગાયે જોર જોરથી અવાજ કરતાં સ્થાનિક લોકો એની મદદે આવ્યા હતા અને એને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ અસમર્થ રહ્યા હતા. 

સ્થાનિક લોકો ગાયને બહાર કાઢવામાં નિષ્ફળ રહેતાં ફાયર બ્રિગેડને ગઈ કાલે સવારે બોલાવવામાં આવી હતી. સતત બે કલાકની જહેમત બાદ પણ ગાય બહાર ન નીકળતાં ફાયર બ્રિગેડના એક જવાને નાળામાં ઊતરીને દોરડાની મદદથી એને બહાર લાવવામાં સફળતા મળી હતી. ગાયને રેસ્ક્યુ કરવાની કામગીરી કરનારા ફાયરમૅન નીલેશ રાણેએ જણાવ્યું હતું કે ‘ગટરમાંથી બહાર લાવીને ગાયને એક ગોદડીમાં લપેટવામાં આવી હતી. પાણીના પાઇપનો ઉપયોગ કરીને અમે એને સાફ કરી હતી અને દોરડાં કાપીને મુક્ત કરી દેવામાં આવી હતી.’

વિરાર પોલીસ ગાયના માલિકની શોધમાં છે જેણે આ રીતે ગાયને ચરવા છોડી દીધી હતી. પોલીસે એ વિશે વધુ તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news virar preeti khuman thakur