05 August, 2023 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઈમાં કથિત કોવિડ સેન્ટર કૌભાંડ (Mumbai Covid Scam) કેસમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના બે વરિષ્ઠ અધિકારીઓ સહિત ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર (Kishori Pednekar) સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. કિશોરી પેડણેકર પર બોડી બેગની ખરીદીમાં કૌભાંડનો આરોપ છે.
મુંબઈ મહાનગરપાલિકા પર કોરોના દરમિયાન કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું કહેવું છે કે કોવિડ-૧૯ મહામારી ફેલાઈ તે સમય દરમિયાન ટેન્ડર પ્રક્રિયામાં મોટો ગોટાળો થયો હતો. EDનું કહેવું છે કે કિશોરી પેડણેકર પણ આમાં સામેલ હતાં. તેથી જ એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે કિશોરી પેડણેકરની પણ પૂછપરછ થઈ શકે છે.
મૃત દર્દીઓને લઈ જતી બોડી બેગની ખરીદીમાં કૌભાંડ
EDએ કહ્યું છે કે મુંબઈમાં મૃત કોવિડ દર્દીઓને લઈ જવા માટે વપરાતી બોડી બેગ 2000 રૂપિયાને બદલે 6800 રૂપિયામાં ખરીદવામાં આવી હતી. EDનો આરોપ (Mumbai Covid Scam) છે કે આ કોન્ટ્રાક્ટ તત્કાલીન મેયરની સૂચના પર આપવામાં આવ્યો હતો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન કિશોરી પેડણેકર મુંબઈના મેયર હતાં. ઇડીએ 21 જૂને રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 68 લાખ 65 હજાર રૂપિયા રોકડા અને 150 કરોડની સ્થાવર મિલકત સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 15 કરોડની એફડી પણ EDને મળી છે. 21 જૂને ED દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ઉદ્ધવ ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણ, સુજીત પાટકર સહિત 10થી 15 લોકો સામેલ હતા.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે “કથિત કોવિડ સેન્ટર કૌભાંડના સંબંધમાં મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના (UBT)ના નેતા કિશોરી પેડણેકર અને અન્ય સામે આર્થિક ગુના પાંખ (EOW) દ્વારા કલમ 420 (છેતરપિંડી અને અપ્રમાણિકપણે મિલકતની ડિલિવરી) અને 120(B) (ગુનાહિત કાવતરાની સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.”
કિરીટ સોમૈયાની પ્રતિક્રિયા
દરમિયાન કિશોરી પેડણેકર (Kishori Pednekar) સામે કેસ નોંધાયા (Mumbai Covid Scam) બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya)એ પ્રતિક્રિયા આપી છે. કિરીટ સોમૈયાએ કહ્યું કે કિશોરી પેડણેકર જેલમાં જશે. તેમણે કહ્યું કે, “પૂર્વ મેયર કિશોરી પેડણેકર સામે બોડી બેગ ખરીદી કેસમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે રૂા. 1500ની કિંમતની બોડી બેગ રૂા. 6700માં લીધી હતી. મુંબઈના મેયર, એડિશનલ કમિશનર અને વેદાંત ઈનોટેક પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અમે આ અંગે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.”
કિરીટ સોમૈયાએ ટ્વીટ કરી આ માહિતી આપી હતી. તેમણે ફરિયાદની નકલ પણ ટ્વીટમાં ઉમેરી હતી. તેમણે અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તેમણે ૧૩ જુલાઈના રોજ આ ફરિયાદ નોંધાવી હતી.